* જિલ્લામાં અનેક શહેરો, ગામડાઓમાં અનધિકૃત દબાણો હટાવવાની ઝુંબેશ ક્યારે…? તેમાં ગતિ કેમ નહિ…?
* ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી “દબાણ હટાવો ઝુંબેશ” સામે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે અને આ મામલે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાને કડક ભાષામાં પત્ર લખ્યો….! આકરા પાણીએ….?
* એક તરફી ઝુંબેશ શા માટે…? બધે જ એસ.સી., એસ. ટી. અને ઓબીસી જ નડતર રૂપ છે….?
એક તરફ ઔદ્યોગિક એકમોમાં વહીવટીતંત્ર રોજગારી આપી શકવામાં કોઈ ગતિ કે નિયમોનું પાલન કરવી નથી શકતું અને ૮૦% સ્થાનિક જિલ્લાના બેકાર યુવાઓને રોજગારી નથી આપી શક્યા અને બીજી તરફ જેઓ રોજગારી મેળવી આત્મ નિર્ભર બની મહા મોંઘવારીમાં પેટિયું રળી રહ્યા છે તેમની સામે દબાણ ઝુંબેશ…? આટલી ઝડપી સ્ટાઈલ જિલ્લામાં સરકારી જમીનો ઉપર લેન્ડ ગ્રેબરો સામે દબાણો સામે રેતી, ખનીજ માફીયાઓ સામે આટલા વર્ષો થી કેમ ચલાવાતી નથી…? મનસુખભાઈ નો સૂર વ્યાજબી જ છે…પરંતુ ગાંધીનગર ના આદેશોનું પણ પાલન તો જિલ્લા કલેકટરે કરવુ પડે ને…? પણ એક ને ખોળ અને બીજાને ગોળ…? નીતિ સામે સાંસદ વસાવાની વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઉભા કરે છે…!!! એવી નીતિ સામે ભરૂચના સાંસદની પણ વાત પણ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાહર્તાએ ગંભીરતાથી લેવી જરૂરી હોવાનો અહીં મત પ્રગટ થાય છે. દબાણ ઝુંબેશ કરો..તો…બધે જ કરો…? ફરિયાદ નિવારણ માં સૌથી વધુ દબાણ ના પ્રશ્નો આવતા હોવા છતાં વર્ષોના વર્ષો નીકળી ગયા બાદ અરજદારોને તેનો ન્યાય મળતો નથી તેનું શું…?
ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી દબાણ હટાવો ઝુંબેશ સામે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે અને આ મામલે કલેક્ટર તુષાર સુમેરાને કડક ભાષામાં પત્ર લખ્યો છે.
મનસુખ વસાવા લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર” શનિવારના રોજ નેત્રંગ ચાર રસ્તાના વર્ષો જુના દબાણો હતા અને તે કોઇને નડતરરૂપ ન હતા. તે દબાણો પોલીસના કાફલા સાથે વાઘ મારવાની સ્ટાઇલથી સવારના ૭=૦૦ ક્લાકથી સાંજના ૭=૦૦ ક્લાક સુધી જે.સી.બી. બુલ્ડોઝરથી તોડી નાંખ્યા તેનાથી હું ખુબ જ નારાજ છું. હું જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહજી અટોદરીયા સાથે આપને અમોએ રૂબરૂમાં મળીને જણાવેલ કે, અમને થોડો સમય આપો જે જરૂરી હશે નડતરરૂપ હશે તેવા દબાણો અમે જે તે ઇસમોને સમજાવીને હટાવી લઇશું. આ બધા ગરીબ માણસો છે. આજ લારી-ગલ્લાવાળા ઉપર તેમના પરીવારનો જીવનનિર્વાહ ચાલે છે. SC, ST તથા OBC સમાજના ગરીબ પરીવારો છે. આગામી સમયમાં દિવાળીનો તહેવાર પણ આવે છે, નવરાત્રિનો ઉત્સવ પણ ચાલે છે. તો થોડો ટાઇમ થોભી જવા માટે અમોએ આપને સ્પષ્ટ જણાવેલ હતું. તેમ છતાં તમે સરકારના ઉચ્ચ પદાધિકારીઓ/અધિકારીઓના આદેશથી ગરીબોના રોજગાર ધંધા રફે -દફે કરી નાંખ્યા તેનાથી હું ખુબ જ દુ:ખી છું.
આપ તથા આપને આદેશ આપનાર સરકારમાં બેઠેલાઓને મારી વિનંતિ છે કે, જીલ્લાના બધા જ રોડ- રસ્તા તુટી ગયા છે, વારંવાર આ તમામ રસ્તાઓ વાહનો ચાલે તેવા નવા બને ત્યાં સુધીમાં સારા ડામરના પેચવર્કના કામો કરાવો પણ તે તમારે નથી કરાવવા અને પ્રજાનું બીજે ધ્યાન ખસેડી લારી-ગલ્લાઓના દબાણ હટાવવા અંગેની શોબાજી કરો છો. આવા તમારા કાર્યોથી પ્રજા ખુબ જ નારાજ તથા દુ:ખી છે. તમે તથા તમને આદેશ આપનાર ગાંધીનગરમાં એ.સી. કચેરીઓમાં બેઠેલાઓ એક દિવસ અંકલેશ્વર થી નેત્રંગ, નેત્રંગ થી રાજપારડી થઇ ગુમાનદેવ વાયા ગોવાલી થઇ ભરૂચ થી દહેજ સુધીની પ્રદક્ષિણા કરો, સાચી લટાર મારો.. તો તમને સાહેબ પ્રજાના પ્રશ્નોનો અને બિલ્ડરોના કેવા કેવા સરકારી જમીન પર દબાણો નો સાચો ખ્યાલ આવશે. આવા વર્ગોને દબાવી શું બહારવટું ખેલો છો…? એક વાત ચોક્કસ છે કે સાંસદ મનસુખભાઈ વસાવા સાચી બાબતમાં બોલે છે તો ખરા પરંતુ ખનીજ, દારૂ, નલ સે જલ પ્રકરણ હોય કે ગમે તે પ્રશ્ન હોય લોક પ્રહરી બનીને લોકોના સાચા અર્થમાં પ્રશ્નો ઉઠાવે તો છે પરંતુ તેમને જે પાર્ટી અને પ્રશાસન તરફથી અને ગાંધીનગર સ્તરેથી જે સહકાર મળવો જોઈએ તે મળતો નથી તેવો સૂર નાગરિકોમાં ચર્ચાનો વિષય પણ છે. આવા સાચા લોક પ્રહરી ને કળિયુગમાં સાચો સાથ મળી રહે તે પણ વ્યાજબી છે…!
વિરલ ગોહિલ, ભરૂચ

