તમામ પ્રકારના દાનમાં અન્નદાનને સૌથી શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. રૂપિયા સહિતના દાનમાં વ્યક્તિની ભુખ ક્યારેય સંતોષાતી નથી. જો કે, ભોજનની ભુખ અન્નથી સંતોષાઈ જાય છે. ત્યારે “ભૂખ કરતા પણ ભૂંડી છે ભીખ” આ વાતને ચરિતાર્થ કરી રહ્યાં છે અમદાવાદના જીવન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નિલેશભાઈ જાની. જેઓ સાવ ટોકન દરે સ્વચ્છ અને સારી ગુણવત્તાયુક્ત સ્વાદિષ્ટ ભોજન પીરસે છે.
ગાંધીનગરમાં તેમણે જીવન પ્રસાદ ઘર નામે શરૂ કરેલી ભોજનની સેવાનો લાભ સરકારી નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો સહિત અનેક નાગરિકો મેળવે છે.

એકાદ વર્ષ અગાઉ ગાંધીનગરમાં શરૂ થયેલ જીવન પ્રસાદ ઘર નામે નજીવા ટોકન દરે સ્વચ્છ અને સારી ગુણવત્તાયુક્ત સ્વાદિષ્ટ ભોજનની સેવા ગુજરાતના અલગ અલગ સ્થળોએથી શહેરમાં આવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન બની છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ જાની એક ખાનગી ટેલિકોમ કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ કંપનીના અન્ય સાતેક સહકર્મીઓ સાથે મળીને સમય મળે વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં યોગદાન આપતાં કે કોઈ સંસ્થાના સેવાકાર્યોમાં જોડાતા હતા.

