શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ એવા વડતાલ ધામમાં વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી થનાર છે. ત્યારે આ પહેલા વિશાળ 14 ડોમમાં તૈયાર થયેલા સાંસ્કૃતિક પ્રદર્શનને થોડા દિવસ અગાઉ ખુલ્લુ મુકાયું હતું. જે પ્રદર્શનને નિહાળવા ભક્તો તહેવારોના સમયમાં ઉમટી પડ્યા છે.

આ સાંસ્કૃતિક પ્રદર્શન જુદા જુદા 8 વિભાગોમાં ભારતીય, વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરે છે. જે પ્રદર્શનની ઝાંખીનો અદભૂત નજારો હરિભક્તો માણી રહ્યા છે. ખાસ લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરી વિવિધ આકર્ષણો છે. આ પ્રદર્શનનો રાત્રિના અદભૂત નજારો હરીભક્તોના મન મોહી લે છે.

વિક્રમ સંવત 1881 કારતક સુદ બારસના દિને વડતાલમાં શ્રીહરીના સ્વહસ્તે ગર્ભગૃહમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ વિગેરે ભગવાન સ્વરૂપની પ્રતિષ્ઠા થઈ હતી. જેને આજે સંવત 2081માં કારતક માસમાં 200 વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

આગામી 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન આ મહોત્સવ ઉજવવામાં આવનાર છે. જે ઉપલક્ષ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયને ઝાંખી આપતુ અને ભારતીય પંરપરા સંસ્કૃતિને ઉજાગર કરતું સુંદર દિવ્ય પ્રદર્શન 24 ઓક્ટોબરથી ખુલ્લુ મુકાયું હતું. જે પ્રદર્શનને નિહાળવા હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસ તહેવારોના સમયમાં ભક્તોનો ભારે ભરખમ ઘસારો જોવા મળ્યો હતો.

