ડીસા
બનાસકાંઠાના ડીસા પાસે રાણપુર ખાતે બનાસનદીમાં મધરાતે ભૂસ્તર વિભાગે ટ્રેક્ટરમાં બેસી રેતી ચોરી કરતા ડમ્પર અને મશીન કબ્જે કર્યા હતા. તેમજ તેમને તાલુકા પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર ખાનગી રાહે દિનરાત સધન ચેકિંગ કરી ખનીજચોરી પકડવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે શુક્રવારે રાતે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જાેશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટીમ રાણપુર ગામમાં પહોંચી હતી. જ્યાં ગામની પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી ટાટા મશીન અને ડમ્પરો દ્વારા રેતીની ચોરી થઈ રહી હતી. જેથી ભૂસ્તર વિભાગની ટીમ મધરાત્રે નદીમાં ચોકી રાખી અને ટ્રેકટરમાં બેસી ખનીજ ચોરી થતી હતી તે સ્થળે પહોંચી હતી. તેમજ રેતી ભરેલી ડમ્પર ગાડી અને ટાટા મશીન ઝડપી પાડ્યાં હતાં.
બનાસ નદીમાંથી અનધિકૃત રીતે ખનીજ ચોરી થતી હોવાનું માલુમ પડતા ભૂસ્તર વિભાગે ડમ્પર અને ટાટા મશીનને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જાે કે આ ખનિજ ચોરી ડાવસ ગામના મુકેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા કરાતી હોવાનું માલુમ પડ્યું હતું.
બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જાેષી ખનીજ ચોરી ઝડપવા તેમની ટીમને સતત દિવસ-રાત દોડાવી રહ્યા છે. સતત ભુમાફિયાઓની વોચ વચ્ચે પણ ખનીજ ચોરી ઝડપવામાં ભૂસ્તર વિભાગ સફળ રહ્યું છે. જાે કે ભૂસ્તર શાસ્ત્રીની કામગીરીથી હાલ જિલ્લામાં રેકોર્ડ બ્રેક આવક સાથે સરકારી તિજાેરીમાં પણ મોટી આવક થઈ છે.
