Gujarat

કચ્છમાં ખાતર ખરીદવા માટે રાપરના ખેંગારપર સેવા સહકારી મંડળી બહાર ખેડૂતોની લાંબી કતારા

ભુજ
પૂર્વ કચ્છના રાપર તાલુકના ખેંગારપર ગામે આવેલી સેવા સહકારી મંડળી બહાર આજે શનિવારે વહેલી સવારથી જ ખેડૂત ભાઈ-બહેનોની ખાતર ખરીદવા લાંબી કતારો લાગી છે. છેલ્લા દસ દિવસથી ખાતરની માંગ સામે આજે માત્ર એક ગાડી ખાતર આવતા ખેડૂતો ખાતર લેવા ઉમટી પડ્યા છે. પરંતુ ખાતરના જથ્થા પ્રમાણે તેમાંના અડધા લોકોને ખાતર મળી શકવાનું મંડળી દ્વારા જાણવા મળ્યું હતું.
કચ્છમાં ખેડૂતોને સિઝનેબલ પાક લેવા માટે જરૂરી ખાતરની અછત કાયમી પ્રશ્ન બની રહ્યો છે. પરંતુ વાગડ વિસ્તારમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બિયારણ સહિતનો માલ સામાન વસાવી લીધા બાદ હવે શિયાળુ પાક લેવા માટે ખાતરનો જથ્થો ના મળતા ખેતીકાર્યમાં કરેલું રોકાણ નુકશાન પહોંચાડી રહ્યું છે. તેમાં પણ ખાતરનો સમયસર અને પૂરતો જથ્થો ના મળવાની બૂમ રાપર તાલુકાના ખેંગારપર ગામે ઉઠવા પામી છે.
ખેંગારપર સહકારી મંડળીની બહાર કતારમાં ઉભેલા ખેડૂતે જણાવ્યું હતું કે, અવારનવારની માંગણી છતાં અમને સિઝનનો પાક લેવા માટે ખાતર નથી મળી રહ્યું. જ્યારે મુન્દ્રા ખાતેના ગોડાઉનો ભર્યા પડ્યા છે. આજે દસ દિવસ પછી એક ગાડી આવી છે. આવી રીતે કેમ ખેતી કરવી? ખાતરના અભાવે અમારો પાક બગડી રહ્યો છે. કોઈ સાંભળતું નથી. ખેડૂતના જીરુ, ધાણા, એરંડા અને વરિયાળી સહિતના પાકો પર આડ અસર પડી રહી છે.
મંડળીના પ્રમુખ કાયાભાઈ અહિરે જણાવ્યું હતું કે, ખાતરનો જથ્થો મુન્દ્રાથી આવે છે. આજે શુક્રવારે માત્ર ૫૦૦ બોરી ખાતર આવ્યું છે, જેની સામે માંગ અત્યારે ૧૦૦૦ બોરીની છે. ઉપરથી માલ મોકલવા એલોકેશન નથી અપાતું તેના કારણે અછત રહે છે. જાે આગામી દિવસોમાં માલ નહિ મળે તો કલેક્ટર કચેરી ખાતે ખાતરની માંગ સાથે રજૂઆત કરવાનું તેમણે જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *