ઊના – ગ્રામ પંચાયતની ચુંટણીનો જંગ ચરમસીમા પર પોહચી ગયો છે. ગામડે ગામડે રાજકીય પક્ષો દ્રારા ગામના આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. અને હાલ નાના કાર્યકરોની પણ બોલબાલા થવા લાગી છે. ત્યારે ઉના તાલુકાની ૭૬ અને ગીરગઢડા તાલુકાની ૫૧ ગ્રામ પંયાયત મળી કુલ ૧૨૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોના ફોર્મ ભરાઇ ગયા છે. અને આજે વાદ-વિવાદની વચ્ચે ચકાસણી પણ પૂર્ણ થઇ ગયેલ હોય ત્યારે ઉના તાલુકાની ૭ અને ગીરગઢડા તાલુકાની ૪ ગ્રામ પંચાચતો સમરસ થયેલ છે. જ્યારે ગીરગઢડા તાલુકાના ૩ ગામોમાં તમામ વોર્ડ સમરસ થયેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર થતા ગ્રામ્ય વિસ્તારોમાં ચુંટણીનો માહોલ ધીમે ધીમે રંગ પકડતો હોય ત્યારે ઉના તાલુકાના ૭ ગામ જેવાકે રજપુત રાજપરા, ખાપટ, સોખડા, મઘરડી, દાંડી, વરસીંગપુર, દૂધાળા, સહીત સાત ગામો સમરસ થયા છે. આ સાત ગામોમાં એક પેનલ દ્રારા ફોર્મ ભરવામાં આવેલ. જ્યારે તેની સામે અન્ય કોઇએ ફોર્મ ભરેલ ન હોવાથી આ સાત ગામો સમરસ થયેલ છે. જ્યારે ગીરગઢડા તાલુકાનાજ ગામ જેવા કે નગડીયા, વડલી, ચોરાળી મોલી, તેમજ લુવારી મોલી આ ચાર ગામો સમરસ થયેલ છે. જ્યારે ગીરગઢડા તાલુકાના ઉમેદપરા, પાંડેરી તેમજ મહોબતપરા ગામના વોર્ડ સમરસ થવા પામેલ છે. જ્યારે આ ત્રણેય ગામોમાં જેમ કે ઉમેદપરા, પાંડેરી તથા મહોબતપરા મળી ત્રણેય ગામોમાં સરપંચના બે-બે ફોર્મ ભરાયા હોવાથી આ ત્રણેય ગામોમાં આવતી કાલે ફોર્મ ખેચવાના અંતિમ દિવસે જો ફોર્મ ખેચાય તો આ ત્રણેય ગામો પણ સમરસ થશે. અને ફોર્મ નહીં ખેચાય તો આ ત્રણેય ગામોમાં સરપંચની ચુંટણી થશે. જ્યારે વોર્ડ સમરસ થયેલ હોવાથી ચુંટણી થશે નહીં. હવે આવતી કાલે ફોર્મ ખેચવાનો અંતિમ દિવસ હોય હવે કેટલી ગ્રામ પંચાયતો સમરસ થશે તે જોવાનું રહ્યુ આ હાલ આજનો દિવસ ફોર્મ ખેચવા માટેની મથામણ આગેવાનો દ્રારા કરવામાં આવશે. અને કેટલી ગ્રામ પંચાયતો વધુ સમરસ થાય તે જોવાનું રહ્યું..
