હાલ અમદાવાદ રહેતા અને મૂળ ઉમરડા ગામનો યુવાન દ્વારકાથી દર્શન કરીને અમદાવાદ કારમાં મિત્રો સાથે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ડોળીયા પાસેના બ્રિજ પર ટ્રાફિક જામ થતા યુવાન જેમાં હતો તે કાર ઉભી હતી.
આ સમયે મૂળી તાલુકાના ઉમરડા ગામના 3 તેમજ 4 અજાણ્યા સહિત 7 શખસ કારમાં આવીને યુવાનને કારમાંથી બહર કાઢીને માર મારી 7 તોલાની ચેઈન અને રોકડ સાથે રૂ. 5.14 લાખની લૂંટ કરી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.
સાયલા ઇન્ચાર્જ પીઆઈ આર.જે. ગોહિલ અને પીએસઆઇ એમ.એન.ઝાલા સહિતના પોલીસ કર્મીઓએ મોડી સાંજે મૂળી તાલુકાના ઉમરડા ગામના ગોપાલભાઈ વેરશીભાઈ, વેરશીભાઈ શામળાભાઈ, રણછોડભાઈ શામળાભાઈ તેમજ સુદામડા ગામના રામાભાઇ શામળાભાઈ સાંબડને ઝડપી લીધા હતા.
મૂળી તાલુકાના ઉમરડા ગામે 12 વર્ષ પહેલા રઘુભાઈ ભરવાડને વેરશીભાઈ તરગટા સાથે દૂધ ભરવાની બાબતના મનદુઃખ થયું હતું.
જેનું મન દુઃખ રાખીને હાલમાં અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનું કામ કરતા ભરવાડ રઘુભાઈ કાનાભાઈ મંગોડા પોતાના મિત્ર સુરેશભાઈ જીવણભાઈ, ઘનશ્યામભાઈ પટેલ, જયેશ અમૃતભાઈ પટેલ સાથે પોતાની ક્રેટા ગાડી લઈને દ્વારકા મંદિરથી દર્શન કરીને અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજના સમયે ડોળીયા પાસેના બ્રિજ ઉપર ટ્રાફિક જામ થતાં કાર ઉભી હતી. દરમિયાન ઉમરડા ગામના વેરશીભાઈ તરગટા, ગોપાલભાઈ વેરશીભાઈ, રણછોડભાઈ શામળાભાઈ તેમજ 4 અજાણ્યા શખસોએ લાકડીઓથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. કારમાંથી રઘુભાઈને બહાર લાવીને માર માર્યો હતો. બનાવ સમયે સાથે રહેલા 3 મિત્રોને 4 અજાણ્યા શખસે લાકડીથી દબાવીને ઊભા રાખી દીધા હતા.
જેમાં વેરશીભાઈ, ગોપાલ ભાઈ અને રણછોડભાઈએ રઘુભાઈના ગળામાં પહેરેલા 7 તોલા સોનાની ચેઈન અને ચકતું કિંમત રૂપિયા 5 લાખ તેમજ રોકડ રૂપિયા 14,000 બળજબરી પૂર્વક કાઢી લીધા હતા. ઇજાગ્રસ્ત રઘુભાઈને 108માં સાયલા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પગના ભાગે ગંભીર ઈજા થવાને કારણે વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

