દિલ્હીના ગાઝીપુરથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી
દિલ્હીના ગાઝીપુરમાં એક ખુબ જ દુઃખદ ઘટના બની હતી જેમાં લગ્ન પહેલા જ એક યુવાનનું પોતાની ગાડીના અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સંબંધીઓ અને મિત્રોને લગ્નના કાર્ડ વહેંચવા માટે કારમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનું દર્દનાક મૃત્યુ થયું. જ્યારે તે યુવાન પોતાની કારમાં ગાઝીપુર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે તેની વેગનઆર કારમાં આગ લાગી ગઈ હતી.
આ અકસ્માત બાબતે મળતી માહિતી મુજબ, યુવકના લગ્ન ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ થવાના હતા. પૂર્વ દિલ્હીના ગાઝીપુર વિસ્તારમાં આવેલા બાબા બેન્ક્વેટ હોલમાં તેમની કાર પહોંચતાની સાથે જ કારમાં આગ લાગી ગઈ. કારમાં આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે યુવક બહાર પણ નીકળી શક્યો નહીં. આ અકસ્માત ગાઝીપુરના બાબા બેનકટ હોલ પાસે થયો હતો. યુવકનું નામ અનિલ હતું અને તે ગ્રેટર નોઈડાના નવાદાનો રહેવાસી હતો. મોડી રાત્રે ગાઝીપુર પોલીસ સ્ટેશનથી ફોન આવતા પરિવારને અકસ્માતની જાણ થઈ.
મૃતકના મૃતદેહને ગાઝીપુર પોલીસ સ્ટેશન દ્વારા કબજે લેવામાં આવ્યો છે. ઉપરાંત, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને કારમાં આગ કેવી રીતે લાગી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. ગાઝીપુર પોલીસ સ્ટેશનનું કહેવું છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ કારમાં આગ લાગવાના કારણો જાણી શકાશે.

