હાલ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની અનેક પ્રકારની વિસ્મયભરી ચર્ચાઓએ સમગ્ર વિશ્ર્વનું ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બની છે.
ત્યારે સાવરકુંડલા ગૌરવ સમાન સત્તાધાર આપા ગીગાની જગ્યાના સંત પ. પૂ. શામજીબાપુની એવા જ એક કુભ મેળાની વાત અહીં પ્રસ્તુત છે
એ સમયે કુંભમેળામાં પ. પૂ. શામજીબાપુએ આપાગીગાની કૃપાથી ત્રણ ટંકની રસોઈ સંતો મહંતો અને શ્રધ્ધાળુઓને પ્રસાદ તરીકે જમાડી.
તેમની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી પણ વિસ્મયમાં પડી ગયા.
આ સમયે તમામ મઠાધિપતિ, શંકરાચાર્યશ્રી, સંતો-મહંતોએ પ. પૂ. શામજીબાપુને હાથીની અંબાડી પર બેસાડી કુંભમેળાનું દર્શન કરાવી ભક્તભૂષણ શ્રી શામજીભગતનું બિરૂદ આપી સન્માનિત કર્યા
હાલ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની અનેક પ્રકારની વિસ્મયભરી ચર્ચાઓએ સમગ્ર વિશ્ર્વનું ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે ત્યારે સાવરકુંડલાના ગૌરવ સમાન સત્તાધાર આપા ગીગાની જગ્યાના સંતશ્રી પ. પૂ. શામજીબાપુની એવાં જ એક કુંભમેળાની વાત આપ વાંચકો સમક્ષ આપની જાણ માટે રજૂ કરવામાં આવે છે.

પરંતુ એ પહેલા સંત શિરોમણી પ. પૂ. શામજીબાપુના જીવન કવનની થોડી વાતો સાથે એ કુંભમેળાની ઘટના પણ આપ સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ
સંત શિરોમણીશ્રી શામજીબાપુનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. તેમના પિતાનું નામ ભુરાભાઈ અને માતાનું નામ મણીબેન હતું. શામજીબાપુને બાળપણથી માતા-પિતા દ્વારા ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું. તેમના મોટાભાઈ મોહનબાપુ અને શામજીબાપુ બાળપણથી જ સાધુ સંતો નિરાધાર અને દીન: દુખી અભ્યાગતોની સેવા કરતા. બન્ને ભાઈઓએ બાળપણથી માતા-પિતાની છત્ર-છાયા ગુમાવી હતી. મોટાબાપુની દિકરી વનાઈબેને બન્ને ભાઈઓનો ઉછેર કર્યો. મોહનભાઈ યુવાવસ્થામાં પ્રવેશતા જ સંસારમાંથી વિરકત થયા હતા.
વનાઈબેને શામજીબાપુના લગ્ન કરવાનું નકકી કર્યુ. સમજાવ્યા પણ તેઓ ન માન્યા. વનાઈબેને શામજીબાપુના લગ્ન નકકી કર્યા. જાન પરણીને ઘરે આવી, પોખવાની તૈયાર કરતા હતા ત્યારે શામજીબાપુએ વરમાળા કાઢીને કહયું કે “હું સંસારનો નથી. સંસાર મારો નથી. મારે આ નાશવંત સંસારમાં નથી રહેવું.’ તમામ પરિવારજનોએ શામજીબાપુને સમજાવ્યા પણ ન માન્યા. શામજીબાપુએ કાનજીબાપુની જગ્યામાં રાતવાસો કર્યો અને ત્યાંથી સતાધારનો રસ્તો પકડ્યો. શામજીબાપુ સતાધાર પહોંચતા, તે સમયના મહંતશ્રી લક્ષ્મણભગતને બધી વિગતે વાત કહી.
તેમણે કહયું કે ‘લક્ષ્મણબાપુ! હવે આ મીંઢોળ હું આપાગીગાના ચરણોમાં છોડીશ. મારે મન આપાગીગા અને આપ જ સર્વસ્વ છો.” મહંતશ્રી લક્ષ્મણભગત મહાન યોગી અને ધ્યાની હતા. તેમણે શામજીબાપુને પારખી લીધા અને આપાગીગાની સમાધિસ્થાને શામજીભગતને પગે લગાડયા. મહંતશ્રી લક્ષ્મણભગતે શામજીભગતની સેવાથી પ્રભાવિત થઈ ને સતાધાર જગ્યાના ગાદિપતિ તરીકે બેસાડયા. શામજીબાપુ સવારે વહેલા જાગી આરતી કરતા, ત્યારબાદ ગૌશાળામાં જતાં, ટેલ કરનારા સર્વને કામ સોંપતા એ નાસ્તો કરાવતા રસોડું શરૂ કરાવી અને જમવાનું શરૂ કરતાં. સાધુસંતો દીન દુઃખી અભ્યાગતોને તેઓ દાન-દક્ષિણા આપી સંતુષ્ઠ કરતા.
આંબાજળ નદીના કાંઠે એક આંટો મારી દરેકના ખબર અંતર પૂછતા. સંતશ્રી શામજીબાપુએ સતાધારની જગ્યાની તન અને મનથી અજોડ સેવા કરી. સંતશ્રી શામજીબાપુ કુંભમેળામાં ગયા ત્યારે તેમને વિચાર આવ્યા કે ”કુંભમેળામાં સાધુ-સંતો અને સર્વ યાત્રાળુઓને મારે જમાડવા છે, ચારેય મઠના જગતગુરૂ શંકરાચાર્યોને વાત પહોંચાડવામાં આવી. શામજીબાપુએ ચારેય મઠના જગતગુરૂ શંકરાચાર્યોને કહ્યું કે ”કુંભમેળામાં આવેલ તમામ સંતો-મહંતો અને યાત્રાળુઓને એક ટંકની રસોઈ સંતશ્રી આપાગીગાની જગ્યા સતાધાર આપે છે” વળતો પ્રશ્ન શંકરાચાર્યોએ કર્યો કે “શામજીભગત, તમે રસોઈ પુરી પાડી શકશો ને? શામજીબાપુએ કહયું કે “રસોઈ તો મારો ગીરનો રાજા આપાગીગા પૂરી પાડશે.” સતાધારના શિસ્તબધ્ધ સ્વયંસેવકો કામે લાગી ગયા. કુંભમેળામાં આવેલ તમામ મીઠાધિપતિ, અખાડાના સંતો, મહામંડલેશ્વરો, નાગા સાધુઓ, જતી-સતીસહિત તમામને જમાડી અને રોકડ પુરસ્કાર આપ્યો.
અગાઉ કોઈએ શામજીબાપુની જેમ કુંભમેળામાં આવી રીતે સામૂહિક રીતે જમાડેલ નહી. આ એક ઐતિહાસિક ઘટના બની. તે સમયે તત્કાલિન વડાપ્રધાનશ્રી ઈન્દીરાગાંધી તો વિચારમાં પડી ગયા!. તેણીએ તમામ મિટિંગો અટકાવી સંત શિરોમણી શ્રી શામજીબાપુને બે હાથ જોડી વંદન કરવા આવ્યા અને કહયું કે ”હે શામજીભગત ! અમારી સરકાર કુંભમેળામાં મહિનાઓ અગાઉ તૈયારી કરે છે પણ અમે એક ટંકનું પાણી પણ પુર પાડી શકતા નથી તો તમે સફળતાપૂર્વક એક ટંકની રસોઈ કેમ પુરી પાડી શકયા! તમને શત્ શત્ વંદન છે.
શામજીબાપુએ કહયું “બેન બા! હવે તો એક ટંક, બે ટંક અને ત્રણ ટંકની સમગ્ર રસોઈ ગીરનો રાજા આપાગીગો પુરી પાડશે! ઈન્દીરાગાંધી નતમસ્તક શામજીબાપુને વંદન કર્યા. અને કહયું કે “ધન્ય છે તમારી ભકિતને!” સમગ્ર કુંભમેળામાં તમામ સાધુ-સંતો અને યાત્રાળુઓ શામજીબાપુના દર્શન કરવા ભીડ જામી હતી. આમ, કુંભમેળામાં શામજીબાપુએ સફળતાપૂર્વક ત્રણ ટંકની રસોઈ પુરી પાડી હતી. તમામ શંકરાચાર્યો અને સંતો-મહંતો વિચારમાં પડી ગયા કે, “શામજીબાપુને શું બિરુદ આપવું?” તમામ, મઠાધિપતિ શંકરાચાર્યો, સંત-મહંતોએ શામજીબાપુને હાથીની અંબાડી પર બેસાડી કુંભમેળામાં ફેરવ્યા અને “ભકતભૂષણ શ્રી શામજીભગત નું બિરુદ આપી સન્માનિત કર્યા. સંતશ્રી શામજીબાપુ સતાધારની જગ્યામાં ૩૧ વર્ષ સુધી મહંત રહયા હતા. તેમની ભકિત અને સેવાકાર્યથી સતાધારની નામના સમગ્ર વિશ્વમાં ફેલાઈ હતી.
–સંકલન બિપીનભાઈ પાંધી સા.કું
—પ્રસ્તુતિ મનીષભાઈ બી વિંઝુડા સા. કું
બિપીન પાંધી સાવરકુંડલા

