Gujarat

શહેરમાં દબાણ માટે પંકાયેલા બર્ધન ચોકમાં હંગામી પોલીસ અને એસ્ટેટ ચોકી બનાવાશે

જામનગરમાં દબાણ માટે પંકાયેલા બર્ધનચોકમાં હંગામી પોલીસ અને એસ્ટે કચેરી બનશે. આ વિસ્તારમાં ટોપણ માધવજી દુકાન પાસે માર્ગ પરથી પીલરવાળું બોર્ડ દૂર કરવામાં આવ્યું છે. જયારે ટ્રાફીકને નડતરરૂપ 14 રેંકડી, 4 કાઉન્ટર જપ્ત કરાયા છે. આ દરમ્યાન દુકાનદાર અને સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

જામનગરમાં બર્ધનચોક વિસ્તારમાં દબાણની કાયમી સમસ્યા રહે છે. આ મુદે વેપારી એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે. જે અંતર્ગત બર્ધનચોકમાં ટોપણ માધવજી દુકાન પાસે હંગામી પોલીસ અને એસ્ટેટ કચેરી બનશે. આ માટે માર્ગ પરથી પીલરવાળું બોર્ડ મનપા દ્વારા ગુરૂવારે દૂર કરવામાં આવ્યું હતું.

તદઉપરાંત આ વિસ્તારમાં રેંકડી, પથારાવાળાઓના કારણે કાયમી ટ્રાફિક સમસ્યા રહે છે. ત્યારે મનપાની એસ્ટેટ શાખાએ ટ્રાફીકને નડતરરૂપ 14 રેંકડી અને 4 કાઉન્ટર જપ્ત કર્યા હતાં. આ દરમ્યાન એક દુકાનદારે ભારે હોબાળો મચાવી મનપાના સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.