Gujarat

પ્રત્યેક પરિવારને 15 હજારની સહાય, કુલ 1.65 લાખની રકમ આપશે

મહારાષ્ટ્રના જલગાંવ નજીક થયેલી રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 11 લોકોના પરિવારજનોને કથાકાર મોરારિબાપુએ આર્થિક સહાય જાહેર કરી છે. પ્રત્યેક પરિવારને રૂ.15,000ની સહાય આપવામાં આવશે, જે કુલ રૂ.1,65,000 થાય છે.

આ દુર્ઘટના થોડા દિવસ પહેલા બની હતી, જ્યારે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા મુસાફરો ગભરાઈને ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. દુર્ભાગ્યે, તે જ સમયે બીજા ટ્રેક પરથી પસાર થઈ રહેલી કર્ણાટક એક્સપ્રેસની અડફેટે આવતા 11 લોકોના કરુણ મોત નિપજ્યા હતા.

મોરારિબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા પ્રવીણભાઈ તન્ના અને તેમના સહયોગીઓ રેલ્વે પાસેથી જરૂરી માહિતી મેળવીને પીડિત પરિવારો સુધી આ સહાય રાશિ પહોંચાડવાની વ્યવસ્થા કરશે.