સમગ્ર દેશમાં ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃકતા આવે અને પ્રશિક્ષણ મેળવી નેચરલ ફાર્મિંગ તરફ વળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ્સ માટે 2481 કરોડ ફાળવાયા છે.
જ્યારે આ મિશન અંતર્ગત વડોદરા-હાલોલની વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીમાં દેશના 73 વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ખેતી અંગે ટ્રેનિંગ આપી આ મિશનના શ્રીગણેશ કરાવાયા હતા. આ વૈજ્ઞાનિકો ટ્રેનિંગ મેળવીને હવે તેમનાં રાજ્યોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે.
ઉલ્લેખનિય છે કે, વડોદરા જિલ્લાના 500થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળતાં હવે શહેરીજનોને રસાયણમુક્ત ધાન્ય અને શાકભાજી ખાવા મળશે. અત્યાર સુધી રાજ્યના 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
વોકમેન ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા ડો.રાજુ ઠક્કરે જણાવ્યું હતું કે, વિશ્વની પ્રથમ અને એક માત્ર પ્રાકૃતિક કૃષિ માટે સમર્પિત હાલોલ સ્થિત ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગની રાષ્ટ્રીય કાર્યશાળા જાન્યુઆરી મહિનામાં યોજાઈ હતી.
જેમાં સમગ્ર ભારતમાંથી 73 વૈજ્ઞાનિકો મળીને 175 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ્સ અંતર્ગત દેશના દરેક શહેર અને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું મોડલ તૈયાર કરવાનું છે.
દરેક ખેડૂતને પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી અને ટ્રેનિંગ મળે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. જે અંતર્ગત દેશના 73 વૈજ્ઞાનિકોને કૃષિ યુનિવર્સિટીમાં બોલાવીને ટ્રેનિંગ આપી હતી. જે વૈજ્ઞાનિકો પોતાનાં રાજ્યોમાં જ ઈને ખેડૂતોનું ક્લસ્ટર બનાવીને તેમને ટ્રેનિંગ આપશે. વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ થનારા ઘન જીવામૃત અને જીવામૃત વિશે સમજ આપવામાં આવી હતી.
જ્યારે આ જીવામૃતોને કેવી રીતે તૈયાર કરવા તેની પણ જાણકારી અપાઈ હતી. પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે તેમને પણ આ ટ્રેનિંગમાં જોડવામાં આવ્યા હતા.એમ સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, રસાયણની મદદથી ઉગાવાતાં ધાન્યના કારણે લોકોમાં પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ના કરાતાં ધાન તરફ જાગૃતિ વધી છે.

