લકુલીશ યોગ યુનિવર્સિટીએ જાણીતા લેખિકા અને પત્રકાર અનિતા તન્નાને પીએચડીની ડિગ્રી એનાયત કરી છે.
તેમણે ડૉ. અરુણા જાડેજાના માર્ગદર્શન હેઠળ “હનુમાનજીનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ: રામની વિવિધ કૃતિ(કથા)ઓને આધારે; હનુમાનજીના જીવનચરિત્રમાંથી પ્રતિફલિત જીવનમૂલ્યોની ઉપાદેયતા” વિષય પર સંશોધન કર્યું છે.
અનિતા તન્નાની વિદ્વતા અને સાહિત્યિક યોગદાન નોંધપાત્ર છે. તેમના 22 પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં ‘રજકણ બને સૂરજ’ લઘુનવલનો સમાવેશ થાય છે. પત્રકારત્વ ઉપરાંત યોગ વિષયમાં પણ તેમણે માસ્ટર ડિગ્રી મેળવી છે. 1997માં ગુજરાત સરકારે તેમને શ્રેષ્ઠ મહિલા પત્રકારનો એવોર્ડ આપ્યો હતો.
તેઓ અખિલ હિંદ મહિલા પરિષદ-અમદાવાદના મુખપત્ર ‘નવ્ય ઉજાસ’ના તંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
વિમેન્સ મીડિયા ફોરમ, મેનોપોઝ ક્લબ, ગ્લોબલ ગુજરાતી ફેડરેશન, પોઝિટિવ મીડિયા અને ‘નવી સવાર’ જેવી સંસ્થાઓ સાથે તેમનું જોડાણ છે. ભૂતકાળમાં તેમણે અગરિયાની મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય અંગે પણ મહત્વપૂર્ણ સંશોધન કર્યું હતું.

