નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમના માતા-પિતા હયાત ન હોય, પિતા હયાત ન હોય અથવા માતા હયાત ન હોય તેવા ૪૦૫ બાળકો માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એન.એમ.એમ.એસ. પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા લેવામાં આવેલ સેન્ટ્રલાઈઝ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ૬૧ બાળકોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.એસ.બી.આઈ. ગાંધીનગર હેડ ઓફીસથી ઉપસ્થિત રહેલ જનરલ મેનેજર શ્રી ગોપાલભાઈ ઝા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં એસ.બી.આઈ. બેંકના ડે.જનરલ મેનેજર શ્રી આશુતોષભાઈ શર્મા ( રાજકોટ ), આસી. જનરલ મેનેજર શ્રી ભુપેન્દ્રભાઈ રામાણી તથા શ્રી બ્રજેશકુમાર વગેરે બેંકના અધિકારીશ્રીઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરના ચેરમેનશ્રી પરસોતમભાઈ કકનાણી, વાઈસ ચેરમેનશ્રી દિનેશભાઈ દેસાઈ, શાસનાધિકારીશ્રી ફાલ્ગુનીબેન પટેલ, સમિતિના સભ્યશ્રીઓ સર્વશ્રી પ્રજ્ઞાબા સોઢા, મુકેશભાઈ વસોયા, બીમલભાઈ સોનછાત્રા, ન.પ્રા.શિ.સ. શિક્ષક સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ ખાખરીયા વિગેરેની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ચેરમેનશ્રી પરસોતમભાઈ કકનાણીએ મહેમાનોને શાબ્દિક સ્વાગત વડે આવકાર્યા હતા. જ્યારે શાસનાધિકારીશ્રી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવેલ તેમજ સમિતિના બાળકોને આ પ્રકારનો માનવિય સહયોગ આપવા બદલ એસ.બી.આઈ.ના અધિકારીશ્રીઓનું સાલ તથા મોમેન્ટો વડે સન્માન કરી વિશેષ આભાર માનવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી સ્ટાફે જહેમત ઉઠાવેલ તેમજ કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રવિણસિંહ જાડેજાએ કરેલ તથા કાર્યક્રમમાં આચાર્યશ્રીઓ તથા બહોળી સંખ્યામાં લાભાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

