Gujarat

શહેરમાં પાણી અને ડ્રેનેજ લાઈનના ભંગાણ રીપેરીંગની કામગીરીમાં સ્ટેન્ડિંગની મંજૂરી લેવાની રહેશે

શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની લાઈનમાં ભંગાણ થતું હોય છે. ભંગાણ રીપેરીંગની કામગીરી માટે હવે અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટી પાસેથી મંજૂરી મેળવવાની રહેશે. જ્યારે ટેન્ડર થયેલું ન હોય એવા સંજોગોમાં આ પદ્ધતિએ કામ શરૂ કરી શકાશે પરંતુ, સ્ટેન્ડિંગ કમિટીને મંજૂરી લેવાની રહેશે. સામાન્ય સંજોગોમાં અગાઉથી જ મ્યુનિ. દ્વારા આ પ્રકારની કામગીરી માટે ટેન્ડર કરવામાં આવતું હોય છે.

જોકે, તેમછતાં કેટલાક સંજોગોમાં ટેન્ડરની અવધિ પૂર્ણ થઇ ગઇ હોય અને એવા સમયે જો ભંગાણ થાય તો મુશ્કેલી પડે છે. કેટલાક સંજોગોમાં કમિશનરની મંજુરી મેળવી કામ કરી બાદમાં તેને ટેન્ડરીંગ કરવામાં આવતું હોય છે. સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં અવારનવાર પાણી અને ડ્રેનેજ લાઇન તેમજ સ્ટ્રોમ વોટર લાઇનમાં ભંગાણ થાય છે.

હવે આ પ્રકારની કામગીરીમાં ટેન્ડરીંગની આવશ્યકતા સિવાય જ્યાં તત્કાલ કામગીરીની આવશ્યકતા હોય એવા સંજોગોમાં અધિકારીઓ સીધી કામગીરી કરાવી તેને મંજૂરી માટે સ્ટેન્ડીંગ કમિટીમાં કામ રજૂ કરવું પડશે.

કામગીરી શરૂ કરી દેવામાં આવે પરંતુ, તે અંગેની મંજૂરી મેળવવા માટેની અપેક્ષા સાથે કામગીરી કરાવવાની રહેશે. ગોતા ખાતે પડેલા ભંગાણની કામગીરી શરૂ કરી દેવાઇ છે જ્યારે વટવામાં પણ આ પદ્ધતિએ કામગીરી શરૂ કરી દેવાઇ છે. જે બાદમાં સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી લેવામાં આ‌વશે.