ગોંડલમાં આઈ.સી.ડી.એસ.ના સ્ટાફની પહેલથી કિશોરીનું ભણવાનું ફરી શરૂ થયું
ગોંડલ સિટીમાં એક કિશોરીનો અભ્યાસ એટલા માટે અટકી ગયો હતો કે, પરિવાર પાસે સ્કૂલની બાકી ફી ભરવાના પૈસા નહોતા. આઈ.સી.ડી.એસ.ના સ્ટાફના ધ્યાનમાં આ બાબત આવતાં, તેમણે એક સપ્તાહ સુધી જહેમત ઉઠાવીને બાકીના ફીનાં નાણાંની વ્યવસ્થા કરી આપી અને કિશોરીનો અભ્યાસ પુનઃ શરૂ કરાવ્યો છે. જેના લીધે આજથી આ કિશોરી ફરી હોંશે હોંશે સ્કૂલે જતી થઈ છે.
આઈ.સી.ડી.એસ. (સંકલિત બાળવિકાસ યોજના) ગોંડલ ઘટક-૧ના બાળવિકાસ પ્રોજેક્ટ અધિકારી (સી.ડી.પી.ઓ.) સુશ્રી સોનલબહેન વાળા તથા ટીમ ગોંડલ સિટીમાં ‘‘પૂર્ણા યોજના’’ અન્વયે ઘરોના સર્વે માટે ગયા હતા. ‘‘સુપોષિત કિશોરી સશક્ત – ગુજરાત’’ અભિયાન હેઠળ તેઓ આંગણવાડી કોડ ૭/૨૩ના વિસ્તારમાં કિશોરીઓનો સર્વે કરી રહ્યા હતા.
દરમિયાન એક ઘરની મુલાકાત વખતે તેમણે એક કિશોરીને અભ્યાસ વિશે પૂછ્યું. આ સમયે કિશોરીએ ગમગીન સ્વરે કહ્યું હતું કે, ‘પોતે અભ્યાસ માટે નથી જતી’. આથી સોનલબહેન તથા તેમની ટીમને આંચકો લાગ્યો.
આ ટીમે થોડી ચિંતા સાથે ’અભ્યાસ માટે કેમ નથી જતી?’ એવું પૂછતાં, કિશોરીએ જણાવ્યું હતું કે, ‘તે ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. જો કે આ શાળાની રૂપિયા ૧૫ હજાર જેટલી ફી ભરવાની બાકી છે. આથી તે અભ્યાસ માટે જઈ શકતી નથી’.
એ પછી સી.ડી.પી.ઓ. અને તેમની ટીમે કિશોરીના પિતા સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે, ‘મારા ઘરમાં નવ સભ્યો છે અને કમાવાવાળો હું એકલો જ છું. આ દીકરીની ફી ભરી શકું તેવી આર્થિક સ્થિતિ રહી નથી.’
એક દીકરીનો અભ્યાસ માત્ર ફીના વાંકે અટકે એ સાંભળીને સી.ડી.પી.ઓ. તથા તેમની ટીમ પણ ચિંતામાં પડી ગયા. આખરે આઈ.સી.ડી.એસ.ની આ ટીમે પૂછ્યું કે, ‘જો આ દીકરીની ફી અમે ભરી આપીએ તો આગળનો અભ્યાસ કરાવશો?’ આ સાંભળીને પિતા તથા કિશોરી બંને અભ્યાસ માટે રાજી થઈ ગયા.
એ પછી આઈ.સી.ડી.એસ.ની આ ટીમે ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (ટી.પી.ઈ.ઓ.) શ્રી સતિશભાઈ તેરૈયાનો સંપર્ક કર્યો અને હકીકત જણાવી. એ પછી ટી.પી.ઈ.ઓ. દ્વારા ખાનગી શાળાનો સંપર્ક કરવામાં આવ્યો અને સમગ્ર હકીકત ખાનગી શાળાને જણાવી અને ૫૦ ટકા ફી માફ કરાવવામાં આવી. જો કે એ પછી પણ ૫૦ ટકા જેટલી ફી ભરવાની હતી. આથી સી.ડી.પી.ઓ. સુશ્રી સોનલબહેન તથા ટીમ દ્વારા મળીને દાતાના સહયોગથી આ ફી ભરી દેવામાં આવી. આ આખી કવાયતમાં ગોંડલ તાલુકા શાળા નંબર-૪ના આચાર્ય શ્રી અરવિંદભાઈ વોરાનો પૂરો સહયોગ મળ્યો. બાળકીનો અભ્યાસ પુનઃ શરૂ થાય તે માટે ગોંડલ આંગણવાડી કોડ-૭નાં કાર્યકર સુશ્રી સપનાબેન ધરદેવે પણ ખાસ્સી મહેનત કરી.
એ પછી આ કિશોરીનું લિવિંગ સર્ટી. ખાનગી સ્કૂલમાંથી મેળવીને આ ટીમ આજરોજ ગોંડલની શ્રી તાલુકા શાળા નંબર-૧૬માં ગઈ. જ્યાં શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ કોટેચાએ ધોરણ-૭માં કિશોરીને તત્કાલ પ્રવેશ આપીને તેનો અભ્યાસ શરૂ કરાવ્યો. આ સમગ્ર કામગીરીમાં સી.ડી.પી.ઓ. સુશ્રી સોનલબેન વાળા સાથે આંકડા મદદનીશ શ્રી દિનેશભાઈ પાઘડાર તથા મુખ્ય સેવિકા સુશ્રી પિન્ટુબેન દવેએ પણ ભારે જહેમત ઊઠાવી હતી.
આલેખન – પ્રિયંકા પરમાર, સંદીપ કાનાણી

