Gujarat

સાવરકુંડલામાં રંગોત્સવની ભવ્ય ઉજવણી ભારતીય સંસ્કૃતિનો અનોખો તહેવાર એટલે હોળી ધૂળેટી 

આજ ન છોડેંગેં હમ હમજોલી ખેલેંગે હમ હોલી.. ગિલે શિકવે ભૂલકર દોસ્તો દુશ્મન ભી ગલેં મિલ જાતે હૈં
જ્ઞાતિ જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને સાવરકુંડલાવાસીઓ આ પર્વ હેતપ્રિતથી રંગેચંગે ઉજવે છે  સાવરકુંડલા શહેરમાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે રંગ અને સ્નેહનું રચાયું અનોખું સાયુજ્ય..
સાવરકુંડલા શહેર આજરોજ હોળી ધૂળેટીના પરમ પર્વ પર રંગોના અનોખા ઉત્સવમાં ડૂબતું જોવા મળેલ . જ્યાં જ્યાં નજર પડે બસ રંગોથી છવાયેલી ચહેરાઓના દર્શન થતાં જોવા મળેલ. આમ ગણીએ તો સાવરકુંડલા શહેરના નાવલી કાંઠે આવેલ રિદ્ધિ સિદ્ધિ ચોક એટલે તહેવારો ઉજવવા માટેનું  કેન્દ્રીય સ્થાન. અહીં આજરોજ ધૂળેટીના પર્વ નિમિત્તે આ રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું  આ રંગોત્સવમાં અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
 
આ કાર્યક્રમમાં, ઉપસ્થિત તમામે રંગોત્સવનો આ અનેરો ઉત્સવ મનભરીને માણ્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલા શહેર જાણે રંગોથી રંગાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો જોવા મળતો હતો. . ઢોલની દાંડીના એ ભારતીય સંસ્કૃતિના ધ્વનિ અને સંગીતના તાલે લોકો મન મૂકીને રંગમાં આવીને ઝૂમતાં જોવા મળેલ.આ તકે ઉપસ્થિત મહેશભાઈ કસવાલા, ભરતભાઈ સુતરીયાએ હેતપ્રિતથી સૌની સાથે ધૂળેટીનો આનંદ લૂંટયો હતો. સૌને પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે વિવિધ રંગોથી રંગીને રંગોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે, સાંસદ ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, “હોળીનો તહેવાર એ ભાઈચારા અને એકતાનું પ્રતીક છે.
આ તહેવાર આપણને સૌને એકબીજા સાથે હળીમળીને રહેવાની પ્રેરણા આપે છે.” તો ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “આપણે સૌ સાથે મળીને સાવરકુંડલાને વિકાસના પંથે આગળ લઈ જઈએ.” આમ વિકાસ પણ હવે ઉત્સવનો એક ભાગ બની જશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું.  આ રંગોત્સવમાં બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ હરખભેર ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ રંગબેરંગી રંગો અને ખુશીઓથી છવાઈ ગયું હતું. જો કે સાવરકુંડલા એટલે ઉત્સવ પ્રિય શહેર અને એમાં પણ આ તો રંગોનો તહેવાર એટલે પછી પૂછવું જ શું? અહીં ઉપસ્થિત દરેક હૈયા એક બીજાને સંપૂર્ણ રંગીને આ પર્વની મનભરીને ઉજવણી કરવા થનગનાટ કરતાં જોવા મળેલ.
આ રંગોત્સવ પર્વની આ શાનદાર ઉજવણી સાવરકુંડલાના લોકો માટે એક મીઠું – મધુર, યાદગાર સંભારણું બની ગયું..પ્રકૃતિએ દરેક રંગ આપ્યા છે એ દરેક રંગનું એક ચોક્કસ ઔચિત્ય છે..
બિપીન પાંધી સાવરકુંડલા