Gujarat

જૂનાગઢમાં 6થી 8 મે દરમિયાન કમોસમી વરસાદ, ખેડૂતોને સાવચેત રહેવા સૂચના

જૂનાગઢ જિલ્લામાં આગામી 6થી 8 મે 2025 દરમિયાન પવન સાથે હળવા કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે વિશેષ સૂચનાઓ બહાર પાડી છે.

ખેડૂતોને કાપણી કરેલા પાકને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તાડપત્રી-પ્લાસ્ટિકથી ઢાંકવા જણાવ્યું છે.

પાકના ઢગલાની આજુબાજુ માટીનો પાળો બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. વરસાદી સમય દરમિયાન ખાતર, દવા કે હોર્મોન્સનો ઉપયોગ ન કરવા સલાહ આપવામાં આવી છે.

એપીએમસી યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોને અનાજ તથા શાકભાજીના વેચાણમાં સાવચેતી રાખવા જણાવાયું છે. આ દિવસો દરમિયાન વેચાણ ટાળવાની સલાહ આપવામાં આવી છે.

વાદળછાયા વાતાવરણમાં રોગચાળાની શક્યતાને ધ્યાનમાં રાખી કાર્બેન્ડેઝિમ+મેન્કોઝેબ, હેકઝાકોનાજોલ અને ટેબ્યુ સલ્ફર જેવી દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે.

ચુસીયા જીવાતો અને મગિયા ઈયળના નિયંત્રણ માટે પ્રોફેનોસાયપર 40+4 EC દવાનો છંટકાવ કરવા સૂચના આપવામાં આવી છે.