Gujarat

3.69 લાખ ઘરોમાં નળ કનેક્શન, સોનૈયા ગામમાં 400 ઘરોને પાણી મળ્યું

ખેડા જિલ્લામાં જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજનાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો છે. જિલ્લામાં કુલ 3,69,324 ઘરોમાં નળ કનેક્શન આપવામાં આવ્યા છે.

ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામમાં સરકારની ઓગમેન્ટેશન-સુધારણા યોજના હેઠળ નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

ગળતેશ્વરથી 12 કિલોમીટર દૂર આવેલા આ ગામની વસતી 2025 પ્રમાણે 1,161 છે. ગામમાં ઠાસરા-ગળતેશ્વર ઉત્તર જૂથ યોજના અંતર્ગત 50 હજાર લીટરની ઊંચી ટાંકી અને 40 હજાર લીટરનો ભૂગર્ભ સંપ બનાવવામાં આવ્યો છે. ભૂગર્ભ સંપમાંથી પાણી ઊંચી ટાંકીમાં ભરવામાં આવે છે.

આ યોજના હેઠળ ગામના લગભગ 400 ઘરોમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.

સરકારની ઓગમેન્ટેશન-સુધારણા યોજના હેઠળ બાકીના કામો પૂર્ણ થતાં, હવે બીજા માળ સુધી પાણી સ્વયંસંચાલિત રીતે પહોંચે છે.

ગ્રામજન સીમાબેન અંકુરભાઈ પટેલ કહે છે, “અમારા ગામમાં ઘેર ઘેર નળ છે. ઘરે નળ હોવાથી અમારો સમય બચે છે તેમજ ઘરના બધા કામ ઝડપથી પૂર્ણ થાય છે.

તેમાં ઉપરથી નર્મદા યોજના આવવાથી અમને પાણીની ફૂલ સુવિધા મળી છે. ઓગમેન્ટેશન / નલ સે જલ યોજના હેઠળ ઘેર ઘેર પાણીની બહુ સુખ સુવિધા ઉભી થઈ છે.

ગ્રામજન ભાવેશભાઈ ઈચ્છાભાઈ પટેલ કહે છે, વર્ષો પહેલા અમારે બીજે માળ સુધી મોટરથી પાણી ખેંચવું પડતું હતું.

પણ જ્યારથી સરકાર દ્વારા આ ઓગમેન્ટેશન –સુધારણા યોજના હેઠળ અમારા ગામની યોજનાની નળ કનેક્શનની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ છે.

અમારે મોટરની જરૂર પડતી નથી. બીજે માળ સુધી અમારે સરસ પાણી જાય છે. સરકારે સોનૈયા માટે તો સોનામાં સુગધ ભળી હોય એવું કામ કર્યું છે એમ કહીએ તો સહેજે ખોટું નથી.

સોનૈયાના સરપંચ વર્ષાબેન પટેલ જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા હર ઘર જળ મિશન કાર્યક્રમ યોજના અંતર્ગત રૂ. 13.50 લાખના ખર્ચે અમારા ત્યાં ઓગમેન્ટેશન – સુધારણા યોજના હેઠળ નલ સે જલ યોજના 100 ટકા પૂર્ણ થઈ છે .

જેમાં રૂ.1.30 લાખનો લોક ફાળો આપવામાં આવ્યો છે. આજે અમારા ગામમાં 400 ઘરોમાં સરકારની આ યોજનાથી બધાને ઘેર ઘેર પાણી પૂરું પડી રહ્યું છે. જેના કારણે મહિલાઓને વધુ ફાયદો થયો છે.

વાસ્મો યુનિટ મેનેજર ઇન્દ્રવદનભાઈ પટેલ જણાવે છે કે ખેડા જિલ્લાના 10 તાલુકાના 523 ગામો પૈકી નલ સે જલ યોજના હેઠળ વર્ષ 2019 થી વર્ષ 2022 સુધી 316 ગામો જે બાકી હતા તે નલ સે જલ યોજના યોજના હેઠળ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.

તેમજ નલ સે જલ યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં 63.22 ટકા નળ કનેક્શન ધરાવતો હતો જે આજે સો ટકા નળ નળ કનેક્શન ધરાવતો જિલ્લો બન્યો છે.

ઉલ્લેખનીય છે કે જલ જીવન મિશન કાર્યક્રમમાં નલ સે જલ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પેયજળ ઉપલબ્ધ કરાવવાના આ કાર્યક્રમ અંતર્ગત વ્યક્તિદીઠ નિયમિત રીતે ઓછામાં ઓછું 100 લિટર પીવાલાયક પાણી ગ્રામ્ય વિસ્તારોમાં મળતું થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો મુળભૂત ઉદ્દેશ્ય ગ્રામ પંચાયતોને અને ગામના લોકોને પોતાના ગામની આંતરિક પાણી પુરવઠા યોજના સંભાળી શકે, તથા ગામમાં સ્વચ્છતાલક્ષી ટેવો વિકસાવવાનો છે.