સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હાથસણી મેઈન રોડ એટલે હમેશાં ટ્રાફિકથી ધમધમતો રોડ ગણવામાં આવે છે. એમાં ખોડિયાર ચોક પર ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે. વાહન પર જતાં લોકોને તો ભારે પરેશાની ભોગવવી પડે છે. વળી નાનાં બાળકો અને વૃદ્ધો પણ રાત્રિનાં સમયે આ રસ્તા પર ચાલતાં ભારે મુશ્કેલીનો સામનો કરતાં જોવા મળે છે. આ બાબતે સાવરકુંડલાનાં આ વિસ્તારમાંથી પસાર થતાં રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાલ રોડ રિપેરીંગનું કાર્ય નગરપાલિકા દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યું છે તો આ રસ્તામાં ખાડા પડી ગયેલાં અને તૂટી ગયેલા રોડનું આર.સી.સી. કામ કરાવી ખાડાનું રીપેરીંગ કરાવવા માટે સાવરકુંડલા શહેરનાં આ વિસ્તારમાથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોની આ ખાડાના સમારકામ અંગે પ્રાથમિકતા આપવા માંગ છે. આ ખાડાથી લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આમ તો આ ખાડામાંથી પસાર થતાં વાહનોની કાર્યક્ષમતા ખૂબ ઘટી જાય છે. આમ તો ચોમાસા દરમ્યાન આ વિસ્તારમાં પાણીનો માર પણ એટલો હોય છે કે અહીં ખૂબ જ મજબૂત અને ટકાઉ રસ્તાનું સમારકામ થાય એ પણ એટલું જ જરૂરી છે. બાકી તો થોડાં સમય પૂરતું થીંગડાં મારી વળી પાછું એનું એ ન થાય તેની પણ તકેદારી રાખવી જોઈએ એવું આમજનતા ઈચ્છે છે.

