Gujarat

વીજવાયરોને સ્પર્શેલી ક્રેનને રોકવાનો પ્રયાસ કરતાં અકસ્માત, 2નાં મોત 6 ઘાયલ

અમદાવાદ – મહેસાણા હાઇવે પર મંડાલી ગામે આવેલી ફેબ હિન્દ કંપનીમાં 14 સપ્ટેમ્બરે એક દુઃખદ ઘટના બની હતી. ક્રેન અચાનક ગતિમાં આવી અને ત્યાંથી પસાર થઈ રહેલા 11,000 વોલ્ટના વીજવાયરોને સ્પર્શી ગઈ હતી, જેથી ક્રેનને રોકવાનો પ્રયાસ કરતા આઠ જેટલા કામદારને વીજકરંટ લાગ્યો હતો, જેના CCTV સામે આવ્યા છે. ઘટનામાં બે કામદારનાં મોત નીપજ્યાં છે, જ્યારે છ લોકો ઘાયલ છે.

મળતી માહિતી અનુસાર, મહેસાણા – અમદાવાદ હાઈવે પર આવેલી મંડાલી નજીક રોડ મશીનરીનું ઉત્પાદન કરતી કંપની ફેબહિંદ ફેક્ટરીમાં રવિવાર (14 સ્પટેમ્બર)ના રોજ બપોરે 4 વાગ્યાના અરસામાં કામદારો કંપનીમાં પડેલી ક્રેનને ચાલુ કરી રહ્યા હતા.

ત્યારે ક્રેન એકાએક આગળ સરકવા લાગી અને ક્રેનની આગળ ઊંચાઈમાં રહેલું બૂમ કંપનીમાં રહેલા વીજલાઇન સાથે અથડાતાં વીજલાઈનનો પ્રવાહ ક્રેનમાં પ્રસર્યો હતો.

જે દરમિયાન 1100 વોલ્ટના વીજવાયરને સ્પર્શેલી ક્રેનને કામદારો ભેગા થઈને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમિયાન તેમને વીજકરંટ લાગ્યો હતો અને આઠ જેટલા કામદારો ત્યાં જ ઢળી પડ્યા હતા. એ બાદ ક્રેનને મહામહેનતે વીજકરંટથી દૂર કરવામાં આવી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ઘટનાના ભોગ બનેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મૃતકો

  1. મહંતો અભિમન્યુ, 40 વર્ષ, રહે બિહાર.
  2. અમિત આર્ય, રહે મધ્યપ્રદેશ.

ઇજાગ્રસ્તો

  1. દીપક અશોક ચૌધરી, રહે બિહાર
  2. મિતરંજન કુમાર ધર્મિન્દ્ર ચૌહાણ, રહે બિહાર
  3. રાહુલ કુમાર રાજકુમાર પટેલ, રહે.બિહાર
  4. રાહુલકુમાર બરિસ્ટર ચૌહાણ, રહે. બિહાર
  5. સનૌજકુમાર લલનભાઈ રાજભર, રહે ઉત્તરપ્રદેશ
  6. બિકીસિંધ સંજયભાઈ ચૌધરી, રહે ઉત્તરપ્રદેશ