Gujarat

જામનગરની જિલ્લા જેલમાં નવરાત્રીની ઉજવણી

જામનગર જિલ્લા જેલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા જેલમાં નવરાત્રિ દરમિયાન દરરોજ માતાજીની આરતી અને ગરબે રમવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં કેદી માતાજીની આરાધના સાથે ગરબે રમે છે. બંદીવાન કેદી ભાઈઓ સાથે જિલ્લા ગાર્ડે પણ માતાજીની આરાધના કરી અને મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.

જામનગર જિલ્લા જેલમાં નવરાત્રી પર્વ દરમિયાન ખાસ રાસ ગરબા અને આરતીનું આયોજન કરવામાં આવે છે. આરતી કર્યા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. જેલની અંદર 120 થી વધુ કેદીઓ માતાજીના ઉપવાસ કરે છે તેના માટે ખાસ ફલ્હારની વ્યવસ્થા કરવામાં આવે છે.

પ્રથમ નોરતે જ માતાજીની સ્થાપના કરી માતાજીનો મંડપ શણગારી બંદીવાન ભાઈઓ માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કેદીઓને મનોરંજન મળી રહે અને આધ્યાત્મિકની સાથે તેમનું માનસિક ઉત્થાન થાય અને સારા ગુણ કેળવી જ્યારે જેલની બાર નીકળે ત્યારે સમાજને અને કુટુંબને ઉપયોગી થઇ શકે. તેમજ જેમનું ગુનાહિત વર્તન છે તે સમાજમાં સારી દિશા તરફ ફેલાય અને સારો ધંધો કરી સમાજને અને કુટુંબને ઉપયોગ થઈ શકે. તેમજ ફરી વખત આવા ગંભીર ગુના ન કરે.

જે પ્રમાણે શહેરમાં બહાર શેરી ગરબામાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ પ્રમાણે જેલમાં પણ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કેદીઓમાં હતાશા કે નિરાશા ન જોવા મળે અને કેદીઓનું માનસિક સંતુલન જળવાઈ રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે