Gujarat

હળવદમાં વ્યાજખોરીનો ભોગ બનેલા આધેડની ફરિયાદ

હળવદમાં વ્યાજખોરીના એક કેસમાં પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓએ એક આધેડ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા આપી, તેમની પાસેથી બે એક્ટિવા, એક બાઇક પડાવી લીધા હતા અને મકાનનો દસ્તાવેજ પણ કરાવી લીધો હતો. આધેડે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે.

હળવદની હરી દર્શન સોસાયટીમાં રહેતા સરકારી કર્મચારી રાજેશ ભીમજી પારેજીયા (ઉંમર 52)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રભુ જહા રબારી, ભરત રાણા રબારી, હરદીપ ઉર્ફે મુના સવા લાવડીયા અને જયદેવ મનહરદાન ગઢવી (બધા હળવદના રહેવાસી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આશરે બે વર્ષ પહેલા તેમના મોટા ભાઈને ગંભીર બીમારી હોવાથી તેમને રૂપિયાની જરૂર પડી હતી.

તેમણે પ્રભુ રબારી પાસેથી 15થી 30 ટકાના ઊંચા વ્યાજે 70 હજાર રૂપિયા લીધા હતા. આ સામે તેમણે 2.10 લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં, પ્રભુભાઈએ કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીના દીકરાને છરી બતાવી પરિવારને પતાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ ધમકીઓથી ડરીને ફરિયાદીએ ભરત રબારી પાસેથી 10 થી 15 ટકાના ઊંચા વ્યાજે 1.75 લાખ રૂપિયા લીધા હતા. તેની સામે 2.10 લાખ રૂપિયાની કડક ઉઘરાણી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ અપાઈ હતી.

આ ઉપરાંત, ફરિયાદીની માલિકીનું 50 હજાર રૂપિયાનું બાઇક અને તેમની પત્નીની માલિકીના 1 લાખ રૂપિયાની કિંમતના બે એક્ટિવા બળજબરીથી પડાવી લેવામાં આવ્યા હતા.