Gujarat

જામનગરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા એકતા રેલીનું આયોજન

જામનગરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે “સરદાર એકતા રેલી” સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં નવનિર્મિત બેંકવેટ હોલ અને વિંગ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.

ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ લેઉવા પટેલ સમાજ સંચાલિત સેટેલાઈટ પાર્ટી પ્લોટ ખાતેથી “સરદાર એકતા યાત્રા”નું આયોજન કરાયું હતું. આ યાત્રા રણજીત નગર પટેલ સમાજ સુધી પહોંચી હતી, જ્યાં સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમાજ ભવન ખાતે 27 ફૂટ ઊંચા વિશાળ પોર્ટ્રેટનું અનાવરણ અને નવા વર્ષનું સ્નેહમિલન પણ યોજાયું હતું.

આ ત્રિવિધ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજી પટેલ, દિવ્યેશ અકબરી, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખ રાબડીયા સહિત સમાજના દાતાઓ, કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવનિર્મિત બેંકવેટ હોલ અને વિંગ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું, જે સમાજ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ બની રહી.