Gujarat

તળાજાના ત્રાપજ ગામમાં ખેડૂતોએ એકત્ર થઈ રજૂઆત કરી, માવઠાના કારણે ખેતીપાક અને ઘાસચારાને નુકસાન

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામે ખેડૂતો દ્વારા પાક નુકસાનીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા 8 દિવસથી સતત પડેલા કમોસમી વરસાદના કારણે ત્રાપજ ગામના ખેડૂતોના તમામ પાકો નાશ પામ્યા છે, જેના પગલે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. ખેડૂતોની માંગ છે કે, સરકાર તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે બંધ કરી તમામ ખેડૂતોના દેવા માફ કરે તેમજ જેમને દેવું નથી તેમને મહત્તમ સહાય આપવામાં આવે. આ અંગે આજે ત્રાપજ ગ્રામ પંચાયત કચેરી ખાતે ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને પંચાયતના લેટરપેડ પર સરકારને લેખિત રજૂઆત કરીને માંગ ઉઠાવી હતી.

સર્વે બંધ કરી પાક ધિરાણ માફ કરવાની માગ ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામના ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ ત્રાપજ ગ્રામ પંચાયતને લેખિત રજૂ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો જેમાં રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પાક નુકસાની અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે તે બંધ રાખવામાં આવે તથા ખેડૂતો પર રહેલ તમામ પ્રકારનું દેવું માફ કરવું, અને ખેડૂતો પર દેવું નથી તેવા ખેડૂતોને મહત્તમ સહાય આપવા, આ ઉપરાંત ભારે વરસાદના કારણે તમામ ખેડૂતોની જમીનનું પણ ધોવાણ થયેલ છે

આ જમીન ધોવાણ નું વળતર ચૂકવવા,અને સતત 8 દિવસના વરસાદના પગલે પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતોને ઘાસચારો સંપૂર્ણ નાશ થયો છે તેનું વળતર ચૂકવવા આવે. આ સહિતની તમામ માંગણીઓ સાથે ત્રાપજ ગામના ખેડૂતોએ ગ્રામ પંચાયતના લેટરપેડ પર ગ્રામ સેવકને લેખિતમાં રજૂઆત કરી છે