ડભોઇમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા કરી છે. ત્યારે ખેતીમાં થયેલા નુકસાન અંગે હજુ સુધી સર્વે ના થતાં રોષે ભરાયેલા ખેડૂતોએ પાકની હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સર્વેના નામે ‘મીંડુ’ હોવાથી ખાસ કરીને વડજ અને શંકરપુરાના ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.
કમોસમી વરસાદમાં તૈયાર થવા આવેલો પાક નિષ્ફળ જતાં ખેડૂતો પડતા પર પાટુ જેવી સ્થિતિમાં મૂકાયા છે. આ બાબતે સરકાર સામે રોષ વ્યક્ત કરતા ડભોઇના ખેડૂતો સર્વે થાય છે, પણ સહાયનો એક રૂપિયોય મળતો નથી કહી આક્રોશ ઠાલવી રહ્યા છે. ડભોઇ તાલુકાના વડજ અને શંકરપુરા સહિતના ગામોમાં કમોસમી વરસાદના કારણે ડાંગર, સોયાબીન, કપાસ અને દિવેલા જેવા મુખ્ય પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે.
પાક ખલાસ થઈ જવાથી ખેડૂતોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલા પાકની હોળી કરીને સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે નુકસાનીનો સર્વે હજુ સુધી કરવામાં આવ્યો નથી, અને ભૂતકાળમાં પણ તેમને કોઇ સહાય મળી નથી. તેમનો આક્રોશ છે કે સરકાર માત્ર સર્વેની વાતો કરે છે, પરંતુ ખેડૂતોને એક રૂપિયો પણ મળતો નથી. શિયાળુ પાક લેવાના સમયે પાક નિષ્ફળ જતાં ખેડૂતોમાં વ્યાપક નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે.

