Gujarat

ગાંધીનગરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટતી કુબેરનગરની રિક્ષા ગેંગ ઝડપાઇ

– લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ૩ શખ્સો પાસેથી ૫૦ હજારની રોકડ કબજે કરી – માણસાના ખેડૂતને નિશાન બનાવી રૂપિયા સેરવી લેવામાં આ ગેંગનો હાથ હોવાનું ખૂલ્યું

ગાંધીનગરના મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની પાસેથી રોકડ-દાગીના સેરવી લેતી અમદાવાદના કુબેરનગર વિસ્તારની રિક્ષાગેંગને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને ઝડપાયેલી મહિલા સહિત ૩ શખ્સો પાસેથી રૂ. ૫૦ હજારની રોકડ કબજે કરી અનેક ગુનોનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે. પૂછતાછમાં બહાર આવ્યું છે કે તાજેતરમાં માણસાના ખેડૂતને નિશાન બનાવી રૂપિયા સેરવી લેવામાં આ ગેંગનો હાથ હતો.

લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી. બી. વાળાની ટીમ સેક્ટર ૧૬માં બેન્કિંગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, આ વિસ્તારની બેંકોમાં આવતા નાગરિકોની રેકી કરવા અડ્ડો જમાવી ગુનાને અંજામ આપતી રિક્ષાગેંગ સેક્ટર ૧૬ પોસ્ટ ઓફિસ નજીક જાેવા મળી છે. ત્રણ શખ્સોની આ ટોળકી વોન્ટેડ પ્રકાશ ચમનભાઇ પટણી (હાઉસિંગ બોર્ડના મકાન, મેઘાણીનગર) સાથે મળીને તાજેતરમાં એક વૃદ્ધને નિશાન બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જે અંગે એલસીબીએ ખરાઈ કરતા માણસાના આમજા ગામના કનુભાઇ મોહનભાઇ પ્રજાપતિ તા. ૨૯ જાન્યુઆરીના રોજ તેમના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી સેક્ટર-૧૬ ખાતેની ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડમાં એક લાખ ઉપાડી પરત ઘરે જવા ઘ-૫ સર્કલ પાસે આવેલા મધુર પાર્લર બસ સ્ટેન્ડ પર આમજા જવા એક રિક્ષામાં બેઠા હતા. જેમાં અગાઉથી ઉપરોક્ત ગેંગ પેસેન્જરના સ્વાંગમાં હતી. બાદમાં સેક્ટર-૨૪ નજીક રિક્ષાચાલકે પેસેન્જરોને ઉતારીને હમણાં જ પાછો આવું કહીને કનુભાઈને ઉતારી દીધા હતા. જાેકે ઘણો સમય રાહ જાેવા છતાં રિક્ષાચાલક પરત ન ફરતા કનુભાઇને શંકા ગઈ હતી. તેમણે પોતાની થેલી તપાસતા એક લાખ રૂપિયામાંથી ૫૦ હજારનું બંડલ ગાયબ હતું. આ અંગે સેક્ટર ૨૧ પોલીસ મથકે ગુનો પણ દાખલ થયો હતો.

ઝડપાયેલા શખ્સોના નામ:

બાતમીના આધારે એલસીબીની ટીમે શંકાસ્પદ રિક્ષા સાથે મહિલા સહિત ત્રણ લોકોને ૫૦ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા અને તેમની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ સુરેશ છપ્પનભાઇ પટણી (ગુલાબદાસ બાપાલાલની ચાલી, અસારવા), જીતુ ગિરધારીભાઇ પારદાસાણી (સિંધી) (મકાન નં-૪૧૪, માતૃછાયા, કુબેરનગર) અને પુનમ અમરતભાઇ ધીરૂભાઇ જંદારાડા (મકાન નં-૪૧૪, મહાદેવનગર, કુબેરનગર) હોવાનું જણાવ્યું હતું.