અબુ ધાબીથી અમદાવાદ આવેલી એર અરેબિયા ફ્લાઇટમાં આવેલા શાહરૂખ નામના પેસેન્જરના શરીરમાંથી ૨૧ લાખથી વધુની કિંમતની સોનાની કેપ્સ્યુલ કસ્ટમ વિભાગના એર ઇન્ટલિજન્ટ યુનિટ દ્વારા કબજે કરવામાં આવી છે. આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી ૭૯ કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી. આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાં વળી આવો જ કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યો છે.
૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમદાવાદ કસ્ટમ્સના છૈંેં અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે ભારતીય પાસપોર્ટ ધરાવતા અને એર અરેબિયા ફ્લાઇટ નં. ૩ન્ ૧૧૧ દ્વારા અબુ ધાબીથી અમદાવાદ આવી રહેલા શાહરૂખ નામના એક પેસેન્જરને અટકાવ્યો હતો. તેની પૂછપરછમાં પેસેન્જરે કબૂલ્યું છે કે તેણે ગળીને તેના શરીરમાં સોનાને કેપસ્યુલ છુપાવી હતી. ત્યારબાદ તેને ૧૯મી ફેબ્રુઆરીના રોજ જ અમદાવાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ શરીરમાં છુપાયેલા પદાર્થો શોધી શકાય તે માટે મુસાફરને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં, મળ પસાર કરાવતી વખતે ડૉક્ટરને મુસાફરના શરીરમાંથી પીળા રંગની ૩ નળાકાર કેપ્સ્યુલ અને ૧ ગોળાકાર આકારના સ્ટીલ કલરનો બોલ છુપાવેલો જાેવા મળ્યો. સિવિલ હોસ્પિટલ, અમદાવાદે ૨૧ ફેબ્રુઆરીના રોજ મેડિકલ રિપોર્ટ દ્વારા આ છુપાવેલા માલની માહિતી આપી અને મુસાફરને ડિસ્ચાર્જ કર્યો હતો. ત્યાર બાદ પેસેન્જરના શરીરમાંથી મલેલા માલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને પ્રમાણપત્ર રજૂ કર્યું.
જેમાં પ્રમાણિત કરવામાં આવ્યું કે ૩ ત્રણ નળાકાર આકારના કેપ્સ્યુલની ધાતુ ૧૩૫.૨૦૦ ગ્રામ વજનની સોનાની છે, જેની શુદ્ધતા ૯૯૯.૦ /૨૪ કેરટની છે, તેની બજાર કિંમત રૂ. ૨૧ લાખ ૮૯ હજાર ૫૬૪ થાય છે અને ટેરિફ મૂલ્ય રૂ. ૨૦ લાખ ૧૭ હજાર ૮૦૧ છે. જ્યારે ચોથી ગોળાકાર કેપ્સ્યુલ ફેરસ ધાતુનું બનેલી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી, કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની જાેગવાઈઓ હેઠળ તેને જપ્ત કરવામાં આવ્યું હતું કારણ કે તેને કસ્ટમ્સને જાહેર કર્યા વિના શરીરમાં છુપાવીને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની વધુ તપાસ ચાલુ છે.

