Gujarat

વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક, દંડા સાથે ડેકોરેશનની દુકાનમાં ઘૂસી તોડફોડ કરી

શહેરના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.યુવકે દુકાનમાં ઘૂસીને દંડા વડે તોડફોડ કરી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે.આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.આરોપીએ છેલ્લા ૧૦ વર્ષમાં અનેક વખત તોડફોડ કરી હોવાનો આક્ષેપ છે. વસ્ત્રાલમાં રહેતા નાથા તાવડીયા નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે, તે વસ્ત્રાલમાં અર્બુદા ડેકોરેશનની દુકાનમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે.

તે દુકાનમાં હાજર હતા ત્યારે એક વ્યક્તિ ગાડી લઈને આવ્યો હતો.આ વ્યક્તિએ ગાડીમાંથી નીચે ઉતરી હાથમાં લાકડાનો ડંડો સાથે લઈને દુકાનમાં આવીને કહ્યું હતું કે તારા શેઠ ક્યાં છે તેમ કહીને ગાળો આપવા લાગ્યો હતો. નાથાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી. દુકાનમાં કાચ તોડી નાખ્યા હતા એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.દુકાનમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.નાથાએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.આરોપીએ અગાઉ પણ ૩ થી ૪ વખત તોડફોડ અને મારામારી કરી હોવાનું સામે આવ્યું છે.