Gujarat

આઇસક્રીમની આડમાં દારૂની હેરાફેરી, ૩ની ધરપકડ

અમદાવાદથી આઇસ્ક્રીમ ભરી રાજસ્થાન લઈ ગયા, રિટર્ન થતાં કેરેટમાં દારૂ ભરીને લાવ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરોની દારૂ મંગાવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદથી બુટલેગર આઈસ્ક્રીમ ભરેલી ટ્રક લઈને રાજસ્થાન ડિલિવરી માટે જતા રિટર્નમાં એ જ આઈસ્ક્રીમના ખાલી કેરેટમાં દારૂનો જથ્થો લઈને અમદાવાદ આવતા હતા. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે નાના ચિલોડા પાસેથી આઈસ્ક્રીમના કેરેટમાં લાવવામાં આવેલો ૨.૧૯ લાખ રૂપિયાના દારૂ સાથે બુટલેગર અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ આઈ.એન ઘાસુરા અને તેમની ટીમને બાતમી મળી હતી. જેના આધારે નાના ચિલોડા સર્કલ પાસેના એસપી રીંગ રોડ પર એક બંધ બોડીની આઈસ્ક્રીમની ટ્રક રોકી હતી. આ ટ્રકની તપાસ કરતા આઈસ્ક્રીમના કેટલાક ખાલી કેરેટમાંથી ૧૪૫ દારૂની બોટલ અને ૩૬૦ બિયરના ટીન એમ કુલ ૨.૧૯ લાખ રૂપિયા નો દારૂ મળી આવ્યો હતો.દારૂના જથ્થા સાથે પોલીસે જવાનસિંઘ રાવત,કાનસિંગ રાવત અને પ્રેમકુમાર ભાંડ નામના આરોપીઓની ધરપકડ કરી છે.