Gujarat

ગાંધીનગર કોર્ટના છૂટાછેડાના ફેક ડોક્યુમેન્ટથી પતિએ બીજા લગ્ન કર્યા

અમેરિકાની નાગરિકતા ધરાવતા અને મૂળ કલોલના મોખાસણ ગામના મહિલા બાળકો સાથે અમેરિકા હોવાનો ફાયદો ઉઠાવી પતિએ ગાંધીનગર સિવિલ કોર્ટના છુટાછેડાના ખોટા કાગળો બનાવી બીજી પત્ની અને તેની દીકરીના નામ કરોડોની મિલકતમાં ચડાવી દેવાતા કલોલ તાલુકા પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજાે બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૂળ કલોલના મોખાસણ ગામના હાલમાં અમેરિકાની નાગરિકતા ધરાવતા સુધાબેન પટેલના લગ્ન અશોક પટેલ સાથે ૧૯૮૫માં થયા હતા.

૧૯૯૧માં અશોક ધંધા-રોજગાર માટે અમેરિકા જતા ૧૯૯૫માં સુધાબેન પણ ત્યાં ગયા હતા. જાેકે, પતિને અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સબંધો હોવાની જાણ થતા સુધાબેન બે બાળકને લઈ અમેરિકામાં તેમના સગા-સંબંધીઓ સાથે રહેવા લાગ્યા હતા. ૨૦૦૮માં તેમને ગ્રીનકાર્ડ મળી ગયું હતું, જેથી તેઓ ઇન્ડિયા આવતા જતા હતાં. બાદમાં સુધાબેન પોતાના સાસુ મેનાબેનને પણ અમેરિકા લઇ ગયા હતા. એ વખતે સાસુએ ડાંગરવા ખાતેની સાસરી પક્ષની વડિલોપાર્જિત જમીન સુધાબેનના નામે લખી આપી હતી.

ત્યારે ૨૦૨૫માં સુધાબેન ભાઈના ત્યાં લગ્ન પ્રસંગે આવ્યા હતા, ત્યારે ડાંગરવા ગામના બે મકાનનો વેરો ભરવા તેમજ બન્ને બાળકોનું નામ ચડાવવા માટે તલાટીને મળ્યા હતા. આ સમયે માલુમ પડ્યું કે, અમેરિકન ગ્રીન કાર્ડ હોલ્ડર પતિ અશોકે આ મિલકમાં પત્ની દેવ્યાનીબેન તથા તેમનાથી જન્મેલી દીકરીનું નામ ૩૦ મે, ૨૦૨૫ રોજ દાખલ કરાવી દીધું છે. તેમની અરજી આધારે નામ વારસાઈમાં ચડાવી દેવાયા છે. ઉપરાંત તલાટી સમક્ષ અશોકે ૧૯૯૬-૯૭માં છૂટાછેડા થઈ ગયા હોવાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા.

બાદમાં સુધાબેને આ બાબતે ગાંધીનગર અને અમદાવાદ કોર્ટમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, જે ડિક્રી નંબર (H.M.P No 117/1996) દર્શાવવામાં આવ્યો છે, તેવો કોઈ હુકમ કોર્ટના રેકોર્ડમાં અસ્તિત્વમાં જ નથી. જે સમયે છૂટાછેડા લીધા હોવાનો દાવો કરાયો છે તે સમયે સુધાબેન ભારતમાં હાજર જ નહોતા. પતિ અશોકે માત્ર બીજા લગ્ન જ કરી કાયદેસરના પુત્રનું નામ પણ પેઢીનામામાંથી જાણીજાેઈને કમી કરાવવા સરકારી કચેરીઓમાં ખોટા દસ્તાવેજાેને ખરા તરીકે ઉપયોગ કરી મિલકત પચાવવાનો પ્રયાસ કરાયો હોવાથી કલોલ તાલુકા પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજાે બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.