દહેગામ-મગોડી હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક આજે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ પ્રાંતિજના એક ૨૭ વર્ષીય યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની એરબેગ્સ ખુલી જવા છતાં યુવાનનો જીવ બચી શકયો ન હતો. આ ઘટનામાં યુવાનની પત્ની સહિત અન્ય ત્રણ મહિલાઓ અને અન્ય કારના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અંગે હાલમાં ચિલોડા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી મુજબ પ્રાંતિજના વાઘરોટા ગામના વતની ભગીરથભાઈ શૈલેષભાઈ પટેલ જેટકો કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ તેમના પત્ની અને બે સાથી મહિલા કર્મચારીઓ સાથે કારમાં મહેસાણા ખાતે એક સ્ટાફ કર્મચારીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ લગ્ન પતાવીને તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે નાયરા પેટ્રોલ પંપથી આશરે ૫૦ મીટર દૂર તેમની કાર અને અન્ય એક કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં લોકોએ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અકસ્માતમાં સાંપા ગામના ઉપ સરપંચના પતિ જગદીશભાઈ પટેલને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ચિલોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મોહનભાઈએ જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક ભગીરથભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલમાં પંચનામું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લગ્નના હર્ષોલ્લાસ વચ્ચે બનેલી આ ઘટનાથી વાઘરોટા ગામ અને પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

