૫૦ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા
દેખાદેખીમાં દેવું કરવાને બદલે સમૂહલગ્ન સમયની માગ: પૂર્વ શિક્ષણમંત્રી
ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક એકતા અને કુરિવાજાેના નિર્મૂલનના ઉમદા હેતુ સાથે ૨૮માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંદેસણ મેટ્રો સ્ટેશન સામે આવેલા ધોળેશ્વર મહાદેવ મુકામે યોજાયેલા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર ૫૦ નવ યુગલોએ મહાનુભાવોએ આશીર્વચન પાઠવ્યા હતા.
ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક એકતા અને કુરિવાજાેના નિર્મૂલનના ઉમદા હેતુ સાથે ૨૮માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા અને સંજયસિંહ મહીડા સહિત પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બળવંતસિંહ રાજપૂતે પણ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. જ્યારે સુપ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરના મહંત રામસ્વરૂપજી મહારાજ અને યુવા કથાકાર જલ્પેશ મહેતાએ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતાં.
આ લગ્નોત્સવની શરૂઆત ગણેશ સ્થાપન અને ગ્રહશાંતિથી થઈ હતી. સવારે જાનનું આગમન થયા બાદ હસ્ત મેળાપની વિધિ સંપન્ન થઈ હતી. બાદમાં બપોરે મહાનુભાવો દ્વારા આશીર્વચન અને કન્યા વિદાયનો પ્રસંગ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેલા પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજકાલ દરેક સમાજમાં સમૂહ લગ્નએ સમયની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે.
સમાજમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ઘણીવાર દેખાદેખીમાં દેવું કરીને મોટો ખર્ચ કરતા હોય છે, જેની સામે સમૂહ લગ્ન એક ઉત્તમ વિકલ્પ છે. ગુજરાતમાં છેલ્લા ૫૦ વર્ષથી સમૂહ લગ્નોની પરંપરા ચાલી રહી છે. તેમણે નવપરિણીત દીકરીઓને આશીર્વાદ આપતા ખૂબ જ મહત્વની સલાહ આપી હતી. તેમણે દીકરીઓને સાસરીમાં જઈને માતા-પિતા સમાન સાસુસસરાની સેવા કરવા અને સંપથી રહેવા જણાવ્યું હતું. ખાસ કરીને દીકરીઓને સંયુક્ત કુટુંબમાં રહેવાનો આગ્રહ રાખવા અને પરિવારની ગરિમા જાળવવા પ્રેરણા આપી હતી.
જ્યારે ટ્રસ્ટના પ્રમુખ શંકરસિંહ એસ. ગોહિલે સમાજ જાેગ સંદેશમાં જણાવ્યું હતું કે, વ્યસન, કુરિવાજાે અને ખોટા ખર્ચાઓથી દૂર રહીને શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકવોએ સમયની માગ છે. આજે સમાજના સહયોગથી ૫૦ દીકરીઓના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થયા છે, જેનો અમને આનંદ છે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓ અને મોટી સંખ્યામાં સમાજના ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓને કરિયાવરમાં એવી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી જે કદાચ વ્યક્તિગત રીતે પિતા માટે આપવી મુશ્કેલ હોય.આ ભગીરથ કાર્ય બદલ પૂર્વ મંત્રી ચુડાસમાએ ટ્રસ્ટના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

