ભાગેડુ પ્રેમ લગ્નોને કારણે પરિવારોમાં સર્જાતી સમસ્યાઓ રોકવા માટે મહેસાણાથી ઊંઝા સુધી એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સેના અને સર્વ સમાજના આગેવાનો દ્વારા આયોજિત આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમ લગ્ન અંગેના વર્તમાન કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરી તેને વધુ મજબૂત અને કડક બનાવવાની સરકાર પાસે માંગ કરવાનો છે.
પદયાત્રાના આગેવાનો સતીશ અને સુરેશ ઠાકરેના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં માતા-પિતાની સંમતિ વિના થતા ભાગેડુ લગ્નો સામાજિક માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પદયાત્રા દ્વારા મુખ્ય ૪ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની માગ એ છે કે, લગ્નની નોંધણી જે તે ગામમાં જ થવી જાેઈએ, જ્યાં માતા-પિતાનું કાયમી રહેઠાણ હોય. આ ઉપરાંત લગ્નની નોંધણી સમયે લોહીના સંબંધ ધરાવતા સાક્ષીઓની સહી ફરજિયાત બનાવવી જાેઈએ, જેથી કરીને કોઈપણ પ્રકારની છેતરપિંડી કે ગુપ્ત રીતે થતા લગ્નો પર રોક લગાવી શકાય. રાજ્ય સરકાર દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની દિશામાં લેવાયેલા પગલાંને સમાજે આવકાર્યા છે.
જાેકે આગેવાનોનું માનવું છે કે, જ્યાં સુધી કાયદો સંપૂર્ણપણે સચોટ અને છટકબારી રહિત નહીં બને ત્યાં સુધી આ સમસ્યાનું કાયમી નિરાકરણ શક્ય નથી. પદયાત્રાના અંતે ઊંઝા ઉમિયા ધામ ખાતે માતાજીના ચરણોમાં હૂંડી અર્પણ કરવામાં આવશે અને સરકારને આ દિશામાં ૧૮૨ ધારાસભ્યોનું સમર્થન મળે તેવી પ્રાર્થના કરવામાં આવશે. આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જાે તેમની આ મુખ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જનસમર્થન મેળવવા માટે આવી વધુ રેલીઓ અને આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે.

