Gujarat

સુરતમાં યુવકનો એગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ

સુરતના પાલ સ્થિત સુમન મુદ્રા આવાસમાં રહેતા એક યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાેકે, ગંભીર રીતે દાઝેલા યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર, પાલ વિસ્તારમાં આવેલા સુમન મુદ્રા આવાસમાં આજે અચાનક એક યુવકે આગની ચાદર ઓઢી લીધી હોય તેમ પોતાના જ શરીરે આગચંપી કરી હતી.

યુવકને સળગતો જાેઈ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ૩ ગાડી સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જાેકે, ત્યાં સુધીમાં યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ યુવકની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવકનું શરીર મોટાભાગે દાઝી ગયું હોવાથી તેની હાલત અતિ ગંભીર છે. હાલમાં તબીબોની ટીમ દ્વારા તેને બચાવવા માટે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. પાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ શાહે જણાવ્યું હતું કે, રિક્ષાચાલક યુવકને અને તેની પત્નીને વારંવાર ઝઘડા થતા તેની પત્ની દ્વારા વારંવાર પૈસાની માંગણી કરતી હોવાથી યુવકે કંટાળીને પોતાના પર પેટ્રોલ છાંટી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.