સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે એક શંકાસ્પદ ઘટના સામે આવી છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે કોઈ અજાણ્યા શખસો એક વ્યક્તિનો મૃતદેહ બિનવારસી હાલતમાં મૂકીને ભાગી જતા હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, આજે નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે કોઈ અજાણ્યા શખસો એક મૃતદેહને ગેટ પાસે ઉતારી રહ્યા હતા. શરૂઆતમાં એવું લાગ્યું કે કદાચ કોઈ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે, પરંતુ ગણતરીની મિનિટોમાં જ આ શખસો મૃતદેહને ત્યાં જ પડતો મૂકીને ઉભી પૂંછડીએ ભાગવા માંડ્યો હતો. હોસ્પિટલના ગેટ પરના સિક્યોરિટી ગાર્ડની નજર આ શંકાસ્પદ ઘટના પર પડી હતી.
ગાર્ડ કંઈ સમજે તે પહેલા જ અજાણ્યા શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગાર્ડે તુરંત નજીક જઈને જાેતા તે વ્યક્તિનો મૃતદેહ હોવાનું જણાયું હતું. આ ગંભીર બાબતની જાણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર અને સિવિલ પોલીસ ચોકીને કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા તાત્કાલિક અસરથી ખટોદરા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ખટોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહનો કબજાે લીધો હતો. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ખટોદરા પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા હોસ્પિટલના મુખ્ય ગેટ તેમજ આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી કરી રહી છે.

