મોરબીના 36 વર્ષીય યુવાન જતિન આડેસરાની હત્યાના વિરોધમાં જામનગરમાં સોની બજારમાં અડધો દિવસ બંધ પાળવામાં આવ્યું હતું. સોની સમાજે આરોપીઓને કડક સજા અને ઝડપી ન્યાયની માંગ સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આ ઘટના ગત ગુરુવારે રાત્રે બની હતી, જ્યારે જતિન આડેસરા પોતાના પરિવાર સાથે કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. સ્કૂટર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે તેમને છરીના ત્રણ ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.

આ ઘટનાના પગલે જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો. જામનગરમાં સોની સમાજે ‘જતિન સોનીને ન્યાય આપો… ગુનેગારને ફાંસી આપો…’ જેવા પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને બુલંદ સૂત્રોચ્ચાર કર્યા હતા. સમાજે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.
આ મામલે ભારત સુવર્ણકાર સેતુ જામનગર એસોસિએશનના પ્રમુખ સુભાષભાઈ પાલાએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. સુભાષ પાલાએ જણાવ્યું હતું કે, જતીનભાઈ પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમની પર જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવી છે. આ અત્યંત ગંભીર ઘટના છે અને સમાજ ગુનેગારોને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યો છે.

