Gujarat

ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના દૂષણને રોકવા NSUIનું વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડાવતા દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે રાજકોટમાં પ્રદેશ NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું બેફામ વેચાણ થઈ રહ્યું છે અને તેને રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ કિશાનપરા ચોક ખાતે શર્ટ કાઢી અર્ધનગ્ન હાલતમાં રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જોકે આ સમયે ત્યાં પહેલેથી હાજર પોલીસે તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી.

‘નશામુક્ત ગુજરાત’ની માગ સાથે NSUIનું આંદોલન NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને ડ્રગ્સનું નેટવર્ક શાળા-કોલેજો સુધી પહોંચી ગયું છે. જે રાજ્યના ભવિષ્ય માટે અત્યંત જોખમી છે. અમે ‘નશામુક્ત ગુજરાત’ની માગ કરીએ છીએ અને પોલીસ તંત્ર તેમજ સરકાર આ મામલે કડક પગલાં ભરે તેવી રજૂઆત કરીએ છીએ.

‘સૂતેલી સરકારને જગાડવા માટે અમારો પ્રતીકાત્મક વિરોધ’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પવિત્ર ધરા પર આજે ગલીએ ગલીએ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યા છે. સરકાર આ દૂષણને રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે ત્યારે સૂતેલી સરકારને જગાડવા માટે આજે અમે આ પ્રતીકાત્મક વિરોધ કર્યો છે. જો આગામી દિવસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો NSUI સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરશે.