Gujarat

જામનગર-દ્વારકામાં 10,632 વીજ જોડાણો કપાશે, PGVCL દ્વારા બાકી બિલ વસૂલવા મેગા ડ્રાઈવ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં PGVCL દ્વારા આજે બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ હેઠળ કુલ 10,632 વીજ જોડાણો કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બંને જિલ્લામાં કુલ રૂ. 8.08 કરોડથી વધુની રકમ વીજ બિલ પેટે બાકી છે. આ રકમ વસૂલવા માટે PGVCL દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં 7,419 વીજ જોડાણોમાં રૂ. 5.76 કરોડથી વધુની લેણી બાકી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3,213 વીજ જોડાણોમાં રૂ. 2.11 કરોડથી વધુની રકમ બાકી નોંધાઈ છે.

આ મેગા ડ્રાઈવ માટે બંને જિલ્લામાં કુલ 378 ટીમો તૈનાત કરવામાં આવી છે. જામનગર જિલ્લા માટે 267 ટીમો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 111 ટીમો ફાળવવામાં આવી છે. PGVCL દ્વારા અગાઉથી જ તમામ વીજ ગ્રાહકોને બાકી બિલ ભરપાઈ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ફક્ત વીજ જોડાણો કાપવાનો છે, નાણાંની સ્થળ પર વસૂલાત કરવાનો નથી.