કોઈપણ નાગરિક સાથે સાઇબર ક્રાઇમ કરવા માટે મ્યુઅલ એકાઉન્ટ જરૂરી છે ત્યારે હવે બેંક મેનેજર દ્વારા જ મ્યુઅલ એકાઉન્ટ ખોલી અને સાઇબર ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલા બેંક મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મહિલા બ્રાન્ચ મેનેજરે મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું, બીજા કર્મચારીએ એકાઉન્ટના કેવાયસીમાં સુધારા કર્યા હતા. અન્ય મહિલા મેનેજરે સાયબર ફ્રોડના રૂપિયામાંથી સોનું ખરીદી સાયબર માફિયાને પહોંચાડ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. આ મામલે કુલ પાંચ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. જ્યારે માસ્ટર માઇન્ડ બે આરોપીઓની ધરપકડ કરવા માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
નફાની લાલચ આપી રૂપિયા 1.54 કરોડ પડાવી લીધા શહેરના એક સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી 15 ડિસેમ્બર 2025થી 4 ફેબ્રુઆરી, 2026 દરમ્યાન સાયબર માફિયાઓ જુદા જુદા રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી રૂપિયા 1.54 કરોડ પડાવી લીધા હતાં. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
પોલીસે અમદાવાદ, સુરત અને ભાવનગર તથા અન્ય શહેરોમાં દરોડા પાડી તપાસ કરતાં આ સાયબર ફ્રોડના 10 લાખ રૂપિયા હરેશ મકવાણા (સુરત) તથા રાજુ મકવાણા (ભાવનગર)ના ખાતામાં જમા થયા હોવાની વિગતો સામે આવી હતી. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
બેંકની બે મહિલા મેનેજર સહિત ત્રણ કર્મચારીઓની સંડોવણી વધુ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ સાયબર ફ્રોડમાં ખુદ બેંકની બે મહિલા મેનેજર સહિત ત્રણ કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એન. આર. ગામીતની ટીમે ઇન્ડસઇન્ડ બેંક ચાંદખેડા બ્રાંચના બ્રાન્ચ મેનેજર પૂજા ફ્રેડરિક પરીયત, ઇન્ડસઇન્ડ બેંકની ઇસીબીડી મેનેજર હિના દિવ્યમ દરજી તથા ઇન્ડસઇન્ડ બેંક ગોતા બ્રાંચના એકાઉન્ટ મેનેજર મહેશ રાજેશકુમાર તારાણીની ધરપકડ કરી છે.

