ગુજરાતના પાટનગરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન અને ગાંધીનગર રેલવે સ્ટેશન વચ્ચેના અંતરને ઘટાડવા માટે નિર્મિત હાઈટેક ટ્રાવેલેટરને આખરે મુસાફરો માટે ખુલ્લું મુકી દેવાયું છે.મલ્ટી મોડેલ ઇન્ટિગ્રેશનના ભાગરૂપે આશરે ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ ૪૦૦ મીટર લાંબુ ટ્રાવેલેટર મેટ્રો અને રેલવે બંનેના મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. શરૂઆતી તબક્કે થયેલા વિલંબ બાદ ઉચ્ચ કક્ષાએથી મળેલી કડક સૂચનાઓને પગલે પ્રોજેક્ટને તરતો મૂકી દેવાયો છે. ગાંધીનગરમાં મુકાયેલું ટ્રાવેલેટર ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. અત્યાર સુધી ગાંધીનગર રેલવે સ્ટેશનથી મેટ્રો પકડવા માટે મુસાફરોએ નીચે રસ્તા પર ઉતરીને ખ-રોડ પરથી અંદાજે ૧.૩ કિલોમીટર જેટલું ચાલીને જવું પડતું હતું. આ મુસાફરીમાં અંદાજે ૧૫થી ૨૦ મિનિટનો સમય વેડફાતો હતો.
જાેકે હવે આ આધુનિક સુવિધા શરૂ થતા મુસાફરોએ નીચે રસ્તા પર આવવાની જરૂર જ પડતી નથી. મેટ્રો સ્ટેશનથી ઉતરીને સીધા જ ટ્રાવેલેટર પર ચઢીને માત્ર ૪ મિનિટમાં રેલવે સ્ટેશનના સંકુલમાં પહોંચી શકાય છે. હાઈટેક ટ્રાવેલેટરની વિશેષતા એ છે કે તેને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો મુસાફરોને ઐતિહાસિક દાંડી કુટીર સુધી લઈ જાય છે. ત્યાંથી થોડા ડગલાંના અંતરે બીજાે વિભાગ અને ત્યારબાદ ત્રીજાે વિભાગ શરૂ થાય છે. જે છેક મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની અંદર ઉતારે છે. આ ૩૫૦થી ૪૦૦ મીટરની મુસાફરી દરમિયાન મુસાફરોએ ક્યાંય પણ રસ્તો ઓળંગવો પડતો નથી, જે સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ મહત્વનો છે. આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને દિવ્યાંગ મુસાફરોને મળશે. અગાઉ ભારે સામાન સાથે ટ્રાફિક વચ્ચે રસ્તો ક્રોસ કરવો તેમના માટે જાેખમી અને થકવી દેનારો હતો. હવે ટ્રાવેલેટરની મદદથી કોઈપણ શારીરિક શ્રમ વગર તેઓ આરામથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકે છે.

