Gujarat

ગાંધીનગરમાં વધુ એક હિટ એન્ડ રન

પાટનગરના રાજમાર્ગો પર બેફામ દોડતા વાહનોએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. સેક્ટર-૪માં રહેતા ૮૬ વર્ષીય રાહદારી વૃદ્ધનું ગઈકાલે(૧૨ માર્ચ) સાંજે ઘ- ૪ બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહનની અડફેટે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા સેકટર ૭ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર મહેસૂલ વિભાગમાંથી નિવૃત્ત થયેલા દેવજીભાઈ વાઘેલા ગઈકાલે સાંજના આશરે પોણા સાતેક વાગ્યે સેક્ટર-૧૭ના કટ પાસે ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને તેમને જાેરદાર ટક્કર મારી હતી. જેના લીધે દેવજીભાઈ રોડ પર પટકાતા તેમને માથાના પાછળના ભાગે તેમજ હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્માતના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડાયા હતા. જાેકે હોસ્પિટલમાં દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે આર એન્ડ બી વિભાગમાં ફરજ બજાવતા મૃતકના પુત્ર બાબુભાઈ વાઘેલાની ફરિયાદના આધારે સેકટર ૭ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.