Gujarat

૧૮૧માંથી માત્ર ૨૫ ધારાસભ્યો જાેડાયા

૧૨મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–૨૦૨૬’ને ધ્યાનમાં રાખીને ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ ગાંધીનગરના નવા સ્ન્છ આવાસ ખાતે આયોજિત ‘કર્ટન રેઝર’ કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે આગામી ૧૦૦ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી. વિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વિશ્વના અનેક દેશોએ સહર્ષ સ્વીકારી ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૬માં યોજાનારા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં યોગમય વાતાવરણ ઊભું કરવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ધારાસભ્યોને યોગ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. “એક કદમ યોગમય વિધાનસભા તરફ” સૂત્ર સાથે આયોજિત આ અભિયાન અંતર્ગત આગામી ૧૦૦ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ વિવિધ તાલુકા મથકો પર યોગ શિબિરો યોજાશે. આ અભિયાન દ્વારા ૨૧મી જૂન પહેલાં રાજ્યભરમાં યોગનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી જન-જનને આ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવશે. જાેકે, રાજ્યની ૧૮૧ સભ્યોની વિધાનસભામાંથી આ યોગ કાર્યક્રમમાં માત્ર આશરે ૨૫ જેટલા ધારાસભ્યોએ જ હાજરી આપી હતી, જેમાં ૫ મહિલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

યોગમય વિધાનસભાની વાતો વચ્ચે ધારાસભ્યોની નબળી હાજરી ચર્ચાનો વિષય બની છે. રાજ્ય યોગ બોર્ડના આયોજન મુજબ આગામી દિવસોમાં રાજ્યભરમાં મોટા પાયે યોગ શિબિરો યોજાશે અને વધુમાં વધુ નાગરિકોને યોગ સાથે જાેડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન ગુજરાતને દેશનું સૌથી સ્વસ્થ રાજ્ય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.