પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે 27 ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. આ સાથે, તાલુકા પંચાયતની 41 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો પર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. જાંબુઘોડા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના કવિતાબેન બારીયા, કોંગ્રેસના સુમિત્રાબેન બારીયા અને આમ આદમી પાર્ટીના કિંજલબેન બારીયા વચ્ચે મુખ્ય સ્પર્ધા રહેશે.
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જાંબુઘોડા તાલુકા પંચાયતની બેઠકો માટે કુલ 67 ફોર્મ ભરાયા હતા. ચકાસણી પ્રક્રિયા દરમિયાન એક ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 25 ફોર્મ પાછા ખેંચાયા હતા.
જાંબુઘોડા તાલુકા મથક પર આગામી 26 એપ્રિલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. દરેક પક્ષના ઉમેદવારો અને તેમના ટેકેદારો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે.

