ગુજરાત હાઈકોર્ટમાં એક પત્નીએ ઝાલોદની ફેમિલી કોર્ટના હુકમ સામે અપીલ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફેમિલી કોર્ટે પત્ની અને પુત્રી માટે ભરણપોષણની માંગણી કરતી અરજી ફગાવી દીધી હતી. અરજદાર પત્નીએ પોતાના માટે ₹30 હજાર અને પુત્રી માટે ₹20 હજાર પ્રતિ માસ ભરણપોષણની માંગણી કરી હતી.
પત્નીનો દાવો હતો કે, તેનો પતિ ઝવેરાતનો વ્યવસાય કરે છે અને વાર્ષિક ₹20 લાખથી વધુ કમાણી કરે છે. સામા પક્ષે પતિએ દલીલ કરી હતી કે, તે માત્ર તેના પિતાને વ્યવસાયમાં મદદ કરે છે અને તેની પાસે કોઈ સ્વતંત્ર આવક નથી, તમામ મિલકતો પણ તેના પિતા અને પરિવારની છે. જોકે, હાઈકોર્ટે પતિના ઇન્કમટેક્સ રિટર્ન સહિતના વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરી હતી, જેના આધારે પત્નીનો દાવો યોગ્ય જણાયો હતો.
હાઈકોર્ટે પતિને “ધનવાન પિતાનો ગરીબ પુત્ર” કહીને કટાક્ષ કર્યો હતો. કોર્ટે પતિના વલણને “My way or the highway” જેવી ફિલસૂફી ગણાવી નોંધ્યું કે, પતિ જાણી જોઈને તેની સાચી આવક છુપાવી રહ્યો છે. પતિએ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ એફિડેવિટ તો ફાઈલ કરી હતી, પરંતુ તેમાં આવક અને મિલકતની કોલમ જાણી જોઈને ખાલી છોડી દીધી હતી.

