Gujarat

દમણમાં બોમ્બે ડોક બ્લાસ્ટ શહીદોની યાદમાં પરેડ

સંઘપ્રદેશ દમણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા નાની દમણ ખાતે ‘ફાયર સેફ્ટી અવેરનેસ પરેડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડનો મુખ્ય હેતુ નાગરિકોમાં આગની દુર્ઘટનાઓ સામે રક્ષણ મેળવવા અંગે જાગૃતિ લાવવાનો હતો.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર, 20મી એપ્રિલ સુધી દેશભરમાં ઉજવાઈ રહેલા ‘ફાયર સર્વિસ વીક’ના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. આ જાગૃતિ પરેડ નાની દમણના સર્કિટ હાઉસથી શરૂ થઈને દિલીપ નગર ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી. તેમાં પોલીસ બેન્ડ, NCC કેડેટ્સ, ઉદ્યોગપતિઓ, DIA અને હોટલ એસોસિએશનના સભ્યો, સરકારી કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ ઇન્ડસ્ટ્રીઝના સિક્યુરિટી જવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, ‘ફાયર સર્વિસ વીક’ 14 એપ્રિલ 1944ના રોજ થયેલા બોમ્બે ડોક બ્લાસ્ટમાં શહીદ થયેલા જવાનોની યાદમાં ઉજવવામાં આવે છે. તેમની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે આ સપ્તાહની ઉજવણી થાય છે. આ વર્ષે ‘સેફ સ્કૂલ, સેફ હોસ્પિટલ એન્ડ ફાયર સેફ્ટી અવેર સોસાયટી – ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન’ના સૂત્ર સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે.

18 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે નાની દમણના સરકારી સર્કિટ હાઉસથી આ પરેડનો પ્રારંભ થયો હતો. પરેડમાં જોડાયેલા લોકોએ હાથમાં ‘ફાયર ડિસ્ટ્રોયસ, પ્રિવેન્ટ ડિસ્ટ્રક્શન’ જેવા પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને સાવચેત કર્યા હતા. આ કૂચ દિલીપ નગર ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી.એક અધિકારીએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું કે, આગ કેટલી ખતરનાક બની શકે છે અને તેના પર કેવી રીતે કાબૂ મેળવવો તે સમજાવવા માટે માત્ર પરેડ જ નહીં, પરંતુ સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. લોકોમાં સુરક્ષાના પગલાં અંગે સભાનતા વધે તે જ પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.