સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વિદેશી નાગરિકને ગેરકાયદેસર રીતે ભારતીય ઓળખ પૂરવાર કરતાં દસ્તાવેજો બનાવી આપવાના ગંભીર ષડયંત્રમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર સાજુદ્દીન ઉર્ફે અગાજાન શમશોદ્દીન સૈયદની ધરપકડ કરી છે. 36 વર્ષીય સાજુદ્દીન અગાઉ પકડાયેલા મૂળ અફઘાની નાગરિક મોહમદ આમીર જાવીદ ખાનનો મુખ્ય મદદગાર હતો. તેણે દેશની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો કરીને વિદેશી નાગરિકને કાયદેસર ભારતીય પાસપોર્ટ અપાવવા માટે ખોટા સરકારી દસ્તાવેજો તૈયાર કરી આપ્યા હતા.
તાલિબાનના ડરથી ભારતમાં કાયમી વસવાટનું ષડયંત્ર ગત તારીખ 21/11/2025 ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ દસ્તાવેજોના આધારે સુરતમાં રહેતા મૂળ અફઘાનિસ્તાનના નાગરિક મોહમદ આમીર જાવીદ ખાનને ઝડપી પાડ્યો હતો. આ ગુનેગારની કડક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે અફઘાનિસ્તાનમાં તાલિબાની પરિસ્થિતિ અને અરાજકતાના કારણે તે કાયમ માટે ભારતમાં રહેવા અને ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સરળતાથી આવન-જાવન કરવા માટે ભારતીય દસ્તાવેજો મેળવવા માગતો હતો.
માત્ર 5,000માં બનાવી આપ્યું બોગસ જન્મ પ્રમાણપત્ર મોહમદ આમીરે મહારાષ્ટ્રના જાલના જિલ્લાના રહેવાસી સાજુદ્દીન ઉર્ફે અગાજાનનો સંપર્ક સાધ્યો હતો. સાજુદ્દીને માત્ર ₹5,000 જેવી નજીવી રકમ લઈને મોહમદ આમીરનો જન્મ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો હોવાનું દર્શાવતું સંપૂર્ણ બનાવટી જન્મ પ્રમાણપત્ર તૈયાર કરી આપ્યું હતું. આ કૂટલેખન કરેલા સર્ટિફિકેટના આધારે અફઘાની નાગરિકે ભારતીય પાસપોર્ટ તેમજ ભારત સરકારના અન્ય મહત્વના સત્તાવાર દસ્તાવેજો કઢાવી લીધા હતા.

