Gujarat

2.48 લાખ વસ્તી માટે 123 મતદાન મથકો તૈયાર, 1.13 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ તેજ બની છે. શહેરની કુલ 2,48,095 વસ્તીમાંથી 1,13,095 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 123 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

ચૂંટણી માટે જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરના 13 વોર્ડમાં કુલ 60,492 પુરુષ અને 52,600 મહિલા મતદારો નોંધાયા છે. આ ઉપરાંત, 3 ટ્રાન્સજેન્ડર મતદારો પણ સામેલ છે, જેથી કુલ મતદારોની સંખ્યા 1,13,095 પર પહોંચી છે. વોર્ડ નંબર 2માં સૌથી વધુ 12,707 મતદારો નોંધાયા છે, જ્યારે વોર્ડ નંબર 11માં સૌથી ઓછી 5,475 મતદારોની સંખ્યા છે. મતદારોની સંખ્યામાં આવેલા આ ફેરફારને કારણે કેટલાક વોર્ડમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.

વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવશે.

આ વખતે મતદાર યાદીમાં સુધારણા, નામ કાપવા અને નવા નામ ઉમેરવાના કારણે મતદારોની સંખ્યામાં બદલાવ નોંધાયો છે. આ બદલાવને કારણે ઉમેદવારોને તેમની પ્રચાર રણનીતિમાં પણ ફેરફાર કરવો પડ્યો છે. વાપી મહાનગરપાલિકાના તમામ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ અને બિલ્ડીંગની ચકાસણીઓ પૂર્ણ કરવામાં આવી છે.