મા ઉમિયાની પરંપરાગત નગરયાત્રા ઊંઝામાં વૈશાખ સુદ પૂનમ, એટલે કે 1 મે, 2026ના રોજ યોજાશે. આ 4 કિલોમીટર લાંબી યાત્રામાં હજારો ભક્તો જોડાશે. સવારે 8:00 કલાકે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીઓ માટે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ યાત્રામાં ધાર્મિક ભક્ત મંડળો, મહિલા મંડળો, ઉમિયા પરિવાર સંગઠનના સભ્યો, સંસ્થાના કારોબારી સભ્યો, દાતાઓ અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મા ઉમિયાના ભક્તો જોડાશે. મા ઉમિયા ભવ્ય સુશોભિત દિવ્ય રથમાં બિરાજમાન થઈ ઊંઝા શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપશે.
શહેરના શેરીઓ, મહોલ્લાઓ, ચોક, સોસાયટીઓ, ગંજબજાર અને અન્ય બજારોમાં લીલા તોરણ બાંધી, સાડીઓ બિછાવીને માતાજીની આરતી અને પૂજન કરવામાં આવશે. તમામ જ્ઞાતિ-જાતિના સમાજો અને સંસ્થાઓના આગેવાનો સ્વાગત બેનરો અને કમાનો લગાવી માતાજીને આવકારવા થનગની રહ્યા છે.

