Gujarat

ગળેટુંપો આપીને હત્યા મોઢામાં પથ્થર માર્યો; લૂંટના ઈરાદે હત્યા થયાની શંકાએ તપાસ‎

જામનગર શહેરના સુભાષ બ્રિજની નીચે વૃધ્ધની ગળેટુંપો આપી, નદીમાં ફેંકીને મોઢા પર પથ્થર મારીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી દીધો હતો. મચ્છીનો વેપાર કરતા હોય અને લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

શહેરના સુભાષ બ્રીજ નજીક રંગમતી નદીના કાંઠેથી વહેલી સવારમાં એક વૃધ્ધનો મોઢા પર પથ્થર મારેલો મૃતદેહ મળી આવતા પીઆઈ વિપુલસિંહ ડોડીયા સહિતની ટીમ તેમજ એલસીબી પીઆઈ વી.બી.ચૌધરી સહિતની ટીમ પહોંચી ગઈ હતી.

વૃધ્ધની ઓળખ મેળવતા તે બેડી વિસ્તારમાં રહેતા હોય અને મચ્છીનો વેપાર કરતા ઈસ્માઈલ હારૂન કેર (ઉ.વ.59)નું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમીક રીપોર્ટમાં વૃધ્ધની ગળેટુંપો આપીને હત્યા કરી અને ઓળખ છુપાવવા માટે મોઢા પર પથ્થર માર્યાનું પોલીસના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હત્યારાઓની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. હત્યાના સ્થળે થી વૃધ્ધના ખીસ્સામાંથી પૈસા કે, પાકીટ અને મોબાઈલ કે અન્ય કોઈ વસ્તુઓ મળી આવી ન હતી. જેથી હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ હત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી.